રાજ્યમાં ધો. 12 સાયન્સમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓએ આખા વર્ષની મહેનત પછી ‘નીટ’ આપી, એ પરીક્ષા રદ થતાં રી-નીટ આપવી પડી અને હવે બીએએમએસ ( બેચલર ઑફ આયુર્વેદીક મેડિસિન એન્ડ સર્જરી) પ્રવેશમાં પણ પસંદગીની તક ગુમાવવાનો વારો આવ્યો છે, આયુર્વેદના પ્રવેશાર્થીઓ માટે એક પછી એક મુશ્કેલી ઊભી થઈ રહી છે.
ત્રીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલીક કોલેજોમાં નવી બેઠકો ઉમેરાઈ તો કેટલીક કોલેજોને પાછળથી મંજૂરી મળી છે. પરંતુ લૉક-ઇન સિસ્ટમના કારણે અગાઉ પ્રવેશ કન્ફર્મ કરાવી ચૂકેલા વિદ્યાર્થીઓને હવે નવી સ્થિતિ મુજબ કોલેજ બદલવાની તક મળતી નથી. પરિણામે રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અન્યાયની લાગણી ઊભી થઈ છે.
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઉત્તર કે દક્ષિણ ગુજરાતની કોલેજોમાં પ્રવેશ મળ્યો હોય અને હવે રાજકોટ સહિતની કોલેજોમાં નવી બેઠકો ફાળવાઈ હોય તો પણ તેઓ ત્યાં પ્રવેશ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. આવી જ સ્થિતિ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓની પણ છે.
રાજ્યના એક છેડેથી બીજા છેડે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ હવે નજીકના શહેરમાં નવી બેઠકો ઉપલબ્ધ થઈ હોવા છતાં કોલેજ બદલવાનો વિકલ્પ મળતો નથી.રાજકોટના પીડીયુ હેલ્પ સેન્ટર ખાતે આવા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાના નામ-નંબર સાથે રજૂઆત કરી છે.

