Gujarat

તહેવારોમાં ટિકિટ વગર ટ્રેનમાં 94,919 મુસાફરી કરનારા ઝડપાયા

દિવાળી અને છઠના તહેવારો નિમિત્તે ટ્રેનોમાં ઉમટેલી મુસાફરોની ભારે ભીડ વચ્ચે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તહેવારોની સિઝનમાં વિના ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરનારાઓ વિરુદ્ધ રેલવે દ્વારા 15 દિવસીય વિશેષ અભિયાન ‘ઓપરેશન ડીપ’ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ રેલવેએ કુલ 8.23 કરોડ રૂપિયાની જંગી આવક મેળવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 53.6 ટકા વધુ છે. ખાસ વાત એ છે કે મંડળે આ અભિયાન માટે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકને પણ પાછળ છોડી દીધો છે.

લક્ષ્યાંક કરતાં ₹57.57 લાખથી વધુ દંડ વસૂલાયો મુંબઈ સેન્ટ્રલ મંડળમાં આ વિશેષ ટિકિટ તપાસ અભિયાન 31 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ચલાવવામાં આવ્યું હતું. આ 15 દિવસ દરમિયાન ટિકિટ તપાસ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમે સઘન ચેકિંગ કરીને કુલ 94,919 કેસ પકડ્યા હતા.

આ કેસોમાંથી રેલવેને 8,22,99,300 રૂપિયાની કમાણી થઈ છે, જ્યારે અભિયાન માટે 7,65,41,869 રૂપિયાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આમ, મંડળે લક્ષ્યાંક કરતાં 57.57 લાખ રૂપિયા વધુ કમાણી કરી છે, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 7.52 ટકા વધુ છે. ગયા વર્ષે દિવાળી દરમિયાન ટિકિટ તપાસથી રેલવેને 5.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જેમાં આ વખતે લગભગ 2.87 કરોડ રૂપિયાનો સીધો વધારો નોંધાયો છે.