અમદાવાદના જમાલપુરમાં ઘરેલુ મસાલાનો હોલસેલ વેપાર કરતા વેપારી સાથે રૂ. 38.81 લાખની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ ઉધારીમાં લાખો રૂપિયાનો મસાલાનો જથ્થો મંગાવી પેમેન્ટના ચેક બાઉન્સ કરાવ્યા હોવાના આક્ષેપ સાથે દંપતી સહિત ત્રણ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.
શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવ્યું થલતેજમાં રહેતા અને જમાલપુર રોડ પર વીજી ફૂડ્સના નામે મસાલાનો વેપાર કરતા કીર્તન પટેલે ફરિયાદ નોંધાવી છે કે, 18 જુલાઈ 2025ના રોજ પ્રજ્ઞેશ પટેલ તેમની દુકાને આવ્યા હતા. તેમણે શાહીબાગમાં જય માતાજી એન્ટરપ્રાઈઝ અને ન્યુ જય માતાજી એન્ટરપ્રાઈઝ નામે બે પેઢીઓ ચલાવતા હોવાનું જણાવ્યું હતું.
આ બંને પેઢીઓ તેમની પત્નીઓ સોનલબેન અને શીતલબેનના નામે હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં ટેલિફોનિક ઓર્ડર આપીને મસાલાનો માલ મંગાવ્યો હતો અને સમયસર પેમેન્ટ ચૂકવી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો.ત્યારબાદ મોટા પાયે વેપાર કરવાની વાત કરી ઉધારીમાં માલ આપવાનું કહ્યું હતું.
ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા વિશ્વાસમાં આવી વેપારીએ બંને પેઢીઓને કુલ રૂ. 90,56,168નો મસાલાનો જથ્થો મોકલ્યો હતો. તેમાંથી રૂ. 51,75,028 ચૂકવ્યા બાદ બાકી રહેતા રૂ. 38,81,140 ચૂકવ્યા નહોતા. પેમેન્ટ પેટે આપેલા ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા.આખરે કીર્તનભાઈએ આર્થિક ગુના નિવારણ શાખામાં પ્રજ્ઞેશ, સોનલબેન અને શીતલબેન સામે ફરિયાદ નોંધાવી હતી.

