થોડા દિવસ અગાઉ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં ૨થી ૪ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ડેરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા લેવામાં આવેલા આ ર્નિણયથી શહેરના લાખો ગ્રાહકોને સીધી અસર પડશે.
રાજકોટ શહેરમાં અંદાજે ૬૫૦ જેટલી છૂટક ડેરીઓ આવેલી છે, જ્યાં દરરોજ આશરે ૩ લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. આ તમામ ડેરીઓમાં હવે નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર ફેટના આધારે ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ ૪ ફેટ સુધીના દૂધમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે દૂધ ૩૦ થી ૩૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું, તે હવે ૩૨ થી ૩૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.
આ દૂધ સામાન્ય રીતે ચા-કોફી અને રોજિંદા વપરાશ માટે લેવામાં આવતું હોવાથી સામાન્ય વર્ગને તેની સીધી અસર થશે.જ્યારે ૪ ફેટથી વધુ અને ૬ ફેટ સુધીના દૂધમાં ૪ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ કેટેગરીનું દૂધ હવે ૬૨ થી ૭૦ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. આ દૂધમાં ફેટનું પ્રમાણ વધુ હોવાથી તેનો ઉપયોગ મીઠાઈ, દહીં અને ખાસ વાનગીઓ માટે વધુ થાય છે.
ડેરી સંચાલકોનું કહેવું છે કે, પશુ આહાર, પરિવહન ખર્ચ અને ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની સામે દૂધના ભાવ ન વધારીએ તો ડેરી વ્યવસાય ટકાવવો મુશ્કેલ બને છે. અમૂલે ભાવ વધાર્યા બાદ ખાનગી ડેરીઓ માટે પણ ભાવ વધારો અનિવાર્ય બન્યો હતો. એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે આ ર્નિણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ ગ્રાહકોમાં આ ભાવ વધારાને લઈને નારાજગી જાેવા મળી રહી છે. મોંઘવારીના સમયમાં દૂધ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુમાં વારંવાર ભાવ વધારો થવાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગૃહિણીઓનું કહેવું છે કે દર મહિને દૂધ પાછળ ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.
દુધના ભાવ વધારા બાબતે વાત કરતા, રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે, આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને શહેરની તમામ ૬૫૦ ડેરીઓમાં નવા ભાવ મુજબ જ દૂધનું વેચાણ કરવામાં આવશે. આગામી દિવસોમાં જાે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે તો ભાવ અંગે ફરી વિચારણા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

