Gujarat

સરખેજ MD ડ્રગ્સ ફેક્ટરી કેસના તાર રાજસ્થાન-MP સુધી પહોંચ્યા

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીના તાર હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા છે. NCBએ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના જંગલોમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી નાર્કોટિક્સના ટ્રેઇન્ડ ડોગની મદદથી બે ડ્રગ્સ માફિયા અખ્તર અને જુનેદને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને અમદાવાદ લાવવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ધરપકડથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કાર્યરત ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ અને રાજસ્થાન NCBની ટીમોએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું સરખેજના લેબેન પાર્ક વિસ્તારમાં આવેલા બંગલાના ભોયરામાંથી NCBએ MD ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. દરોડામાં 130 કિલો ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ, કેમિકલ્સ અને સાધનસામગ્રી જપ્ત કરી મુદ્દસર પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સોનાં નામ સામે આવ્યાં હતાં. ત્યારબાદ અમદાવાદ અને રાજસ્થાન NCBની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

ત્રણ દિવસમાં બે મુખ્ય આરોપીઓ ઝડપાયા અખ્તર અને જુનેદની ધરપકડ બાદ હવે રાજસ્થાનના અક્રમ અને મધ્યપ્રદેશના મંદસોરના દાનિશને પકડવા NCBની ત્રણ ટીમો દોડધામ કરી રહી છે. આ બંનેની ધરપકડ થાય તો MD ડ્રગ્સના ઉત્પાદનથી લઈને સપ્લાય સુધીની આખી કડી ખુલવાની શક્યતા છે. બીજી તરફ મુદ્દસરની કોલ ડિટેઇલ્સ અને પૂછપરછના આધારે ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તેની તપાસ ચાલી રહી છે.

જપ્ત કરાયેલા કેમિકલ્સમાંથી કેટલા પ્રમાણમાં MD ડ્રગ્સ તૈયાર થઈ શકતું હતું અને અન્ય નશાકારક પદાર્થો બનાવવાની ક્ષમતા હતી કે કેમ તે FSL રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. માત્ર ત્રણ દિવસમાં બે મુખ્ય આરોપીઓને ઝડપી લેતાં NCBની કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્કમાં ફફડાટ ફેલાયો છે.