આગામી 21થી 25 નવેમ્બર દરમિયાન વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે 45મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ તમામ રાજ્યોમાંથી 1500થી વધુ બોય્ઝ અને ગર્લ્સ ખેલાડીઓ પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. વડોદરામાં આટલા મોટા સ્તરે રાષ્ટ્રીય સ્પર્ધા 5 દાયકા બાદ યોજાઈ રહી છે, જેને લઈને ખેલ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાંચ દિવસમાં રમાશે કુલ 120 રોમાંચક મેચો આ આગામી પાંચ દિવસીય નેશનલ ચેમ્પિયનશિપમાં દરરોજ અંદાજે 24 મેચો રમાશે, આમ સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 120 મેચોનું આયોજન કરાયું છે. સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં લીગ મેચો યોજાશે અને ત્યારબાદ નોકઆઉટ મુકાબલાઓ રમાશે, જે ખેલાડીઓની પ્રતિભાને પારખવા માટે રોમાંચક સાબિત થશે.
ઐતિહાસિક દ્રષ્ટિએ વાત કરીએ તો, ગાયકવાડ શાસનકાળથી જ વડોદરામાં ખો-ખો રમત પ્રચલિત રહી છે. આ અંગે એમેચ્યોર ખો-ખો ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી સંતોષ ગરૂડે જણાવ્યું હતું કે, “વડોદરાથી જ ખો-ખો રમતની શરૂઆત થઈ હતી અને લાંબા સમય બાદ ફરીથી નેશનલ ટુર્નામેન્ટનું અહીં આયોજન થવું એ અમારા માટે ગૌરવની વાત છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નેશનલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આગળ ‘ખેલ ઇન્ડિયા’ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં રમવાની સુવર્ણ તક મળશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે યુનિવર્સિટી અને ફેડરેશન દ્વારા ખેલાડીઓના રહેવા, જમવા તેમજ મેદાનની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

