રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે સોની બજાર વિસ્તારમાં એક્ટિવા પર જતા કારીગરને લિફ્ટ લેવાના બહાને રોકી છરીની અણીએ રૂ.4 લાખના સોનાના તારની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં ફરિયાદી કારીગરે જ તેના ત્રણ મિત્રો સાથે મળી લૂંટનું કાવતરું રચ્યું હોવાનું સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી રૂ.3.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
4 નવેમ્બરે લૂંટની ફરિયાદ નોંધાવી હતી રાજકોટ શહેરના સોની બજાર માંડવી ચોક પાસે જૂઠા દોશીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં કામ કરતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર તાલુકાના હીંગોલા ગામના વતની 19 વર્ષીય સચીન મુલારામ મીણાએ ગત 04 નવમ્બર, 2026ના રોજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ફરિયાદી તેના શેઠની દુકાનેથી રૂ.4 લાખની કિંમતનો સોનાના તારનો જથ્થો લઈ એક્ટિવા પર કોઠારીયા ચોકી પાસે દુકાન ધરાવતા નિર્મલ પરમારને આપવા જતો હતો. દરમિયાન રસ્તામાં એક અજાણ્યા હિન્દીભાષી શખસે પગમાં ઈજા હોવાનું બહાનું બતાવી લિફ્ટ માંગી હતી અને થોડે આગળ જતા ચાલકને છરી બતાવી સોનાનો તાર લૂંટી ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી લૂંટની તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી કે, લૂંટમાં સામેલ શખસો રાજસ્થાન તરફના છે અને શંકાસ્પદ સોનાના તાર સાથે ફરી રહ્યા છે.
જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ત્રણેય દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા મૂળ રાજસ્થાનના અને મજૂરી કામ કરતા શીવલાલ છોગારામ મેઘવાર, મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈમાં રહી ઈમિટેશન જ્વેલરીનો વેપાર કરતા શ્રવણ ચેલારામ ચૌધરી અને પાલી મારવાડના માનપુરા ખાતે રહી ખેતીકામ કરતા રાજુરામ ભંવરલાલ કીર હોવાનું સામે આવ્યું છે. જેની પાસેથી પોલીસે લૂંટમાં ગયેલો 16 કેરેટનો 43.030 ગ્રામ વજનનો રૂ.3.90 લાખની કિંમતનો સોનાનો તાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

