દિવાળીના તહેવારોમાં ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામો પ્રવાસીઓથી ઉભરાયાં હતાં. રાજ્યનાં 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ માત્ર 9 દિવસમાં 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં 128.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે નડાબેટમાં 54.1 ટકા, અંબાજીમાં 48.9 ટકા અને સોમનાથમાં 43.9 ટકાનો વધારો થયો છે.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાન દિવાળીના 9 દિવસમાં ગુજરાતનાં મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. પ્રવાસન સ્થળો પર વિકસાવવામાં આવેલી સુવિધાઓને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયાનો સરકારનો દાવો છે.
દ્વારકામાં સૌથી વધુ 128.8 ટકાનો વધારો પ્રવાસીઓની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો દ્વારકામાં નોંધાયો છે. દ્વારકા મંદિરમાં 9.75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ગત વર્ષની સરખામણીએ અહીં 128.8 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. અહીં 48.9 ટકાનો વધારો નોંધાયો છે. સોમનાથ મંદિરમાં 9.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે ગત વર્ષ કરતાં 43.9 ટકા વધુ છે. આમ, દિવાળીના વેકેશનમાં ગુજરાતનાં ત્રણ મુખ્ય યાત્રાધામોમાં જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

