સુરતમાં વધતી જતી મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચારથી જિલ્લા કલેક્ટર કચેરી પરિસર ગુંજી ઊઠ્યું હતું. ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટની જીવનજરૂરી ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરવખરીનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સામાન્ય પરિવારની માસિક આવકમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી, પરંતુ તેની સામે મોંઘવારીને કારણે દર મહિને ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને લોકો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. આ મુદ્દે AAP દ્વારા સરકાર સામે તીક્ષ્ણ સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. પાર્ટીના આગેવાનોએ સવાલ કર્યો હતો કે જ્યારે અગાઉ કોંગ્રેસ સરકારના સમયમાં મોંઘવારી વધતી ત્યારે ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી વિરોધ કરતા હતા, તો આજે સત્તામાં બેઠા બાદ ભાજપના નેતાઓ ક્યાં ગયા છે? સાથોસાથ એવો પણ સવાલ પૂછવામાં આવ્યો કે જો સતત મોંઘવારી વધી રહી છે, તો કર્મચારીઓના પગારમાં વધારો કેમ કરવામાં આવતો નથી?
‘તાત્કાલિક ધોરણે ભાવ વધારો પાછો ખેંચો’ સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતભરની અંદર આમ આદમી પાર્ટી મહિલા મોરચાની આગેવાનીમાં આવેદન આપી રહ્યા છીએ. દિવસે દિવસે મોંઘવારીનો અસહ્ય માર સામાન્ય લોકો પર પડી રહ્યો છે. દૂધ, દહીં, છાસ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓની અંદર તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે.
ભાજપ સરકાર ત્રિપલ એન્જિનની સરકાર હોવાના મોટા નારા બોલાવે છે, પરંતુ 2014માં જે ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ની વાત કરી હતી, તે નેતાઓ અત્યારે ક્યાં ગયા છે? અત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે, તો કેમ આ મોંઘવારી દેખાતી નથી? કારણ કે તેઓ માત્ર સત્તા ભોગવવા માટે આવ્યા હતા, સામાન્ય લોકો માટે નહીં.
આજે સામાન્ય લોકોએ ઘર ચલાવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રીને આવેદન પાઠવીએ છીએ કે તાત્કાલિક ધોરણે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં આવે. આવનારા સમયે આમ આદમી પાર્ટી પૂરા રાજ્યમાં તમામ લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે.

