સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં વધુ એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવાન એન્જિનિયર અમન કુમારનું કરુણ મોત નીપજ્યું છે. કંપનીના કામે ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવાનનું વાહન આગળ જતી ટોચન ટ્રક સાથે ધડાકાભેર ટકરાતાં છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટોચન ટ્રકનો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
Voltas કંપનીના કામે ઈચ્છાપોર જતી વખતે અકસ્માત મૂળ બહારના અને છેલ્લા 4 વર્ષથી સુરતમાં રહીને વોલ્ટાસ કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 21 વર્ષીય અમન કુમાર રાકેશ લાલ કંપનીના કામ અર્થે પોતાની સ્કૂટી-બાઈક લઈને ઈચ્છાપોર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઈચ્છાપોર 3 નંબર વિસ્તાર પાસે આગળ જઈ રહેલી વાહનો ખેંચતી ટોચન ટ્રક (ટ્રેલર)ના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલા અમન કુમારનું ટુ-વ્હીલર ટ્રક સાથે જોરદાર રીતે ટકરાયું હતું.
છાતીમાં ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો અકસ્માત એટલો ગંભીર હતો કે ટકરાયા બાદ અમન કુમાર રોડ પર પટકાયા હતા અને તેમને છાતીના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને રોડની સાઈડમાં ખસેડી છાતી તથા પગ ઘસી પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેમના મિત્ર માસૂમે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના ભાઈ પવન કુમારે નિષ્પક્ષ તપાસ અને વળતરની માગ કરી મૃતકના ભાઈ પવન કુમારે જણાવ્યું કે, ભાઈના મિત્ર માસૂમનો ફોન આવતાં હું તાત્કાલિક ઈચ્છાપોર જવા નીકળ્યો હતો, પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી મિત્રએ 108 બોલાવી ભાઈને નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હું એમ્બ્યુલન્સ પહોંચ્યાની 10 મિનિટ બાદ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ ભાઈને મૃત જાહેર કર્યા હતા.

