Gujarat

દેવ દિવાળીએ દ્વારકાધીશ મંદિર 5,000 કિલો ફૂલોથી મહેકશે

દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણનીનગરી દ્વારકામાં આવેલા જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિરને વડોદરાના ભક્તો દ્વારા આશરે 5,000 કિલોગ્રામ રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. ધર્મ, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાના અનોખા સંગમ સમાન આ આયોજન અંતર્ગત મંદિરને અદભુત પુષ્પસજાવટથી શણગારવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

વડોદરાના ભક્તોએ દેશનાં 12 જ્યોતિર્લિંગ અને ચારધામ સહિતનાં પવિત્ર તીર્થસ્થાનોમાં આવેલા મંદિરોને પુષ્પોથી શણગારવાની અનોખી સેવા શરૂ કરી છે. આ સંકલ્પ અંતર્ગત અત્યાર સુધી કેદારનાથ, અયોધ્યા, સોમનાથ, ઉજ્જૈનના મહાકાલેશ્વર, ત્ર્યંબકેશ્વર, અંબાજી અને નાગેશ્વર સહિત અનેક પવિત્ર ધામોમાં ભવ્ય પુષ્પસજાવટ કરવામાં આવી ચૂકી છે. હવે દેવ દિવાળીના અવસરે દ્વારકાધીશ મંદિરને પુષ્પોથી સજાવવાની સેવા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ધાર્મિક આયોજન વડોદરાના ભક્તો સ્વેજલભાઈ, સંદીપભાઈ, સંજયભાઈ, કૃતાર્થભાઈ અને આદિત્યભાઈના માર્ગદર્શન તથા સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ સેવા માટે આશરે 50 બંગાળી કારીગરો ઉપરાંત વડોદરાના 100થી વધુ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે. મંદિરની સજાવટ માટે ત્રણ ટેમ્પા ભરીને અંદાજે 5,000 કિલોગ્રામ ફૂલો દ્વારકા પહોંચાડવામાં આવ્યાં છે.