Gujarat

વેપારીને ધમકાવી ખંડણી પડાવનાર કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડનું રિકન્સ્ટ્રક્શન

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં ગેસ એજન્સી ચલાવતા એક વેપારી પાસેથી કાયદેસર રીતે ગેસના બાટલાના પૈસા લેવાની દાઝ રાખી, માથાભારે શખ્સે ગળે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી કટકે-કટકે ₹4 લાખની ખંડણી વસૂલી હતી. આ અંગે વેપારીએ ભરતનગર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડ અને પરેશ ઉર્ફે પરુ જગદીશભાઈ મુલચંદાણીને ઝડપી લીધા છે. તપાસના ભાગરૂપે પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી ભરવાડને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

કનેક્શન ન હોવા છતાં ધમકી આપી બાટલો મંગાવ્યો અને ₹950 લેવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, શહેરના હિલડ્રાઇવ વિસ્તારમાં રહેતા અને સરદારનગર સર્કલ પાસે ઇન્ડિયન ઓઇલની ગેસ એજન્સી ચલાવતા 50 વર્ષીય જીતેન્દ્રભાઈ મનુભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 3-10ના રોજ માલધારી સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ભોડી ભોપાભાઈ ભરવાડે ફોન કરી તાત્કાલિક ગેસનો બાટલો માંગ્યો હતો. કનેક્શન ન હોવા છતાં ધમકી આપી બાટલો મંગાવ્યો હતો, જેના એજન્સીના નિયમ મુજબ ₹950 લેવામાં આવ્યા હતા.

ગળે છરી મૂકી અને સ્મશાનના મંદિરે સમ ખવડાવી ટુકડે-ટુકડે ₹4 લાખ પડાવ્યા “મારા માણસ પાસેથી પૈસા કેમ લીધા?” તેમ કહી આરોપી ભોડી ભરવાડે બીજા દિવસે તા.4-10ના રોજ વેપારીને ધમકાવીને બોલાવ્યા હતા અને એક્ટિવા પર બેસાડી અધેવાડા નજીક અવાવરું જગ્યાએ લઈ જઈ ગળે છરી મૂકી ₹1 લાખ પડાવ્યા હતા.

ત્યારબાદ મોબાઈલ તૂટી ગયો હોવાનું બહાનું કાઢી બીજા દિવસે વધુ ₹50 હજાર પડાવી લીધા હતા. થોડા દિવસ બાદ ફરી ગેસના બાટલાના ₹1,000 લેવાની દાઝ રાખી આરોપીએ ₹5 લાખની માંગણી કરી હતી અને સમાધાન પેટે સ્મશાનમાં આવેલા મંદિરે સમ ખવડાવી વધુ ₹2.50 લાખ (જેમાં દોઢ લાખ રોકડા અને એક લાખ રિક્ષાચાલક મારફતે) પડાવી આમ કુલ ₹4 લાખની ખંડણી વસૂલી હતી.