શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સર્વોત્તમ ડેરી)એ દૂધ ખરીદીના 22 વર્ષ પૂરા કરીને 23મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ નિમિત્તે દૂધ ખરીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતા સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ કરી હતી.
તેમાં સર્વોત્તમ પરિવારના કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સંઘની સ્થાપના અને વિકાસમાં એચ.આર. જોષીના સંઘર્ષ, યોગદાન અને નેતૃત્વને યાદ કરવામાં આવ્યું હતું. સર્વોત્તમ પરિવારે તેમનું સન્માન કર્યું હતું. વક્તાઓએ જણાવ્યું કે તેમના વહીવટ અને પારદર્શક કાર્યપદ્ધતિથી સંસ્થા આગળ વધી રહી છે.

તેમણે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. 950નો ભાવ ચૂકવ્યો છે. કર્મચારીઓ અને સર્વોત્તમ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવવા પણ તેઓ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવાયું હતું.
સંસ્થાના અધિકારીઓએ એચ.આર. જોષીના જીવનને યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. તેમની વ્યસનમુક્તિ ઝુંબેશથી સર્વોત્તમ પરિવાર વ્યસનમુક્ત બન્યો હોવાનું તેમણે કહ્યું હતું. સંસ્થાના વિકાસ માટે તેમણે વ્યક્તિગત સુખ-સુવિધાઓની પરવા કર્યા વિના સતત મહેનત કરી છે. માતા અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને આધ્યાત્મિક અભિગમથી સંસ્થામાં કામની સાથે આધ્યાત્મિક વાતાવરણ પણ જળવાયું છે.

સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર વાય.એચ. જોષીએ એચ.આર. જોષીના રચનાત્મક અભિગમ, વહીવટી કુનેહ અને સંસ્થાના વિકાસ માટેના વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે ભાવનગર જિલ્લામાં બ્રાઝિલ જેવી આધુનિક પશુપાલન વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભવિષ્યમાં બ્રાઝિલ જવાની જરૂર ન પડે તેવી ક્ષમતા ભાવનગર જિલ્લામાં વિકસાવાશે, એમ તેમણે જણાવ્યું હતું.અંતમાં એચ.આર. જોષીએ સર્વોત્તમ પરિવારને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે સંઘની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને શ્રેષ્ઠ ભાવ આપીને તેમનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. આ ઉદ્દેશ સાકાર થતો જોઈને આનંદ થાય છે, એમ તેમણે ઉમેર્યું.

