ભેસાણ તાલુકાના મોરવાડા ગામની સીમમાં સરકારી ગૌચરની જમીનમાં ખાનગી સોલાર કંપની દ્વારા ગ્રામ પંચાયત કે સત્તાધિકારીઓની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર વીજપોલ ઊભા કરવામાં આવતા મામલો ગરમાયો છે. આ કામગીરીના વિરોધમાં મોરવાડા ગામના જાગૃત નાગરિકો અને પશુપાલક માલધારી સમાજ દ્વારા ભેસાણ ટીડીઓ કચેરીએ દોડી જઈ ગંભીર રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામજનોનાં જણાવ્યા મુજબ, ગૌચરની જમીન અબોલ પશુઓના નિભાવ માટે અનામત છે. વીજપોલ ઊભા થવાથી પશુઓનો ચરીયાણ વિસ્તાર ઘટશે. ઉપરાંત, ગૌચર વિસ્તારમાં વીજ લાઈનો નાખવાથી ભવિષ્યમાં શોર્ટ સર્કિટ કે વીજ કરંટ લાગતા પશુઓ અને માલધારીઓના જીવ સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારના નિયમો વિરુદ્ધ ગૌચર પર બિનઅધિકૃત દબાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. ટીડીઓ સમક્ષ લેખિત-મૌખિક રજૂઆત છતાં કામગીરી ચાલુ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

