Gujarat

રાજ્યપાલ એવોર્ડની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા પાટા, ઈમ્પ્રુવાઈઝ સ્ટ્રેચર અને ફર્સ્ટ એઈડ બોક્સ અંગે વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક માર્ગદર્શન

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે સંલગ્ન શહેરની વિવિધ શાળાઓના સ્કાઉટ, ગાઈડ, રોવર અને રેંજર વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સારવાર અંગેની વિશેષ તાલીમ યોજાઈ હતી., વિદ્યાર્થીઓના સર્વાંગી જીવન ઘડતરના ભાગરૂપે આયોજિત આ તાલીમમાં વિદ્યાર્થીઓને થિયરી તેમજ પ્રેક્ટિકલ માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.

રાજ્યપાલ એવોર્ડની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના પાટા જેમ કે ત્રિકોણ પાટો, સાંકડો પાટો અને પહોળા પાટા વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ માથાનો પાટો, કોણીનો પાટો અને હાથના પંજાનો પાટો સહિત કુલ સાત જેટલા પાટા બાંધવાની પ્રેક્ટિકલ કામગીરી કરાવવામાં આવી હતી.

આ ઉપરાંત કટોકટીના સમયે ઉપયોગી બને તેવા ઈમ્પ્રુવાઈઝ સ્ટ્રેચર બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી, જેમાં બારદાનનું સ્ટ્રેચર, શેતરંજીનું સ્ટ્રેચર, બેલ્ટનું સ્ટ્રેચર અને દોરડાના સ્ટ્રેચરનો સમાવેશ થાય છે. સાથે જ ફર્સ્ટ એઈડ બોક્સમાં રાખવામાં આવતી વિવિધ દવાઓ અને તેના ઉપયોગ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર તાલીમ કાર્યક્રમ જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા દીપકભાઈ રાઠોડ, માર્ગેશભાઈ મકવાણા અને પ્રવીણભાઈ મકવાણાએ જહેમત ઉઠાવી સહયોગ આપ્યો હતો. તાલીમ દરમિયાન આગામી દિવસોમાં દળ વ્યાયામ શિબિરનું આયોજન કરવામાં આવશે..