Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી પાંખ મજબૂત બની

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી અને બાંધકામ સહિતના વિભાગોની કામગીરીને વધુ વેગવંતી અને સુદ્રઢ બનાવવા માટે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી મહત્વની ગણાતી ત્રણ મુખ્ય જગ્યાઓ પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જે અંગેના નામ આજે 26 નવેમ્બરના મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં જાહેર કરાયા હતા. જેમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર રાઠોડ, એન્જિનિયર જેઠવા, ઓડિટર તરીકે કિર્તીબા વાઘેલાની નિમણુક થઈ છે. જોકે, સિક્યુરિટી સુપરવાઇઝરની જગ્યા માટે યોગ્ય ઉમેદવાર ન મળતા તે જગ્યા હજુ ખાલી રહેવા પામી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી માળખામાં અત્યંત મહત્વના ગણાતા આસિસ્ટન્ટ રજીસ્ટ્રારના પદ પર સોહમ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. તેઓ બહોળો વહીવટી અનુભવ ધરાવે છે અને આ અગાઉ તેઓ કામધેનુ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના અનુભવનો સીધો લાભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રને મળશે.

કાયમી એન્જિનિયર તરીકે જતીન જેઠવાની પસંદગી આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસના બાંધકામ અને જાળવણીના કાર્યોમાં ઝડપ લાવવા માટે કાયમી એન્જિનિયર તરીકે જતીન જેઠવાની પસંદગી કરવામાં આવી છે.

તેઓ અગાઉ રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ફરજ બજાવતા હતા. સ્થાનિક તંત્રમાં કામ કરવાના તેમના અનુભવથી યુનિવર્સિટીના વિકાસકામોને નવી દિશા મળશે એવી અપેક્ષા છે. જ્યારે યુનિવર્સિટીના નાણાકીય હિસાબો અને ઓડિટની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઓડિટર તરીકે કિર્તીબા વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.