Gujarat

ડભોઇ-થરવાસા રેલવે ઓવરબ્રિજ બન્યો મોતનો ‘બ્રિજ’, સળિયા બહાર નીકળ્યા

​ડભોઇ પંથકમાં માર્ગ અને મકાન (સ્ટેટ હાઇવે) વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. ડભોઇથી થરવાસા તરફ જતા માર્ગ પર વાહનચાલકોની સુવિધા માટે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ હાલ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે. બ્રિજ પર મસમોટા ખાડા પડી જવાના કારણે હવે લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે, જે મોટા અકસ્માતની ભીતિ સર્જી રહ્યા છે

મળતી વિગતો અનુસાર, આ ઓવરબ્રિજ પર અગાઉ પડેલા ખાડાઓને પૂરવા માટે તંત્ર દ્વારા આરસીસી રોડ પર ડામરનું થીગડું મારીને કામ ચલાવી લેવાયું હતું. પરંતુ ચોમાસું પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા બ્રિજનું કોઈ પણ પ્રકારનું યોગ્ય સમારકામ કરાયું નથી. જેથી બ્રિજ બિસમાર બન્યો છે.

​સ્થાનિક નાગરિકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે સ્ટેટ હાઇવે વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને પરિસ્થિતિની સમીક્ષા કરવાની પણ તસ્દી લેતા નથી. દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ માર્ગોનું નિયમિત રિપેરિંગ કામ કરવાનું હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિનાનું કામ કરાયું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.