શહેરના વટવા વિસ્તારમાં રહેતી મહિલાના ફોનમાં પુત્રએ ઇન્સ્ટાગ્રામમાંથી ફ્રી મૂવી જોવા APK ફાઇલ ડાઉનલોડ કરી હતી.ફાઇલ ડાઉનલોડ થતા ફોન હેંગ થઈ જાતે અપડેટ થવા લાગ્યો હતો.મહિલાએ ફોન રિપેરિંગમાં આપ્યો હતો.મહિલા બેંક બેલેન્સ ચેક કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 9.97 લાખ રૂપિયા ઉપડી ગયા હતા જે મામલે મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
apk ડાઉનલોડ કરતા જ ફોન હેંગ થઈ ગયો શહેરના વટવા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ઘરકામ કરે છે.મહિલાને બે દીકરા છે જેમાંથી 17 વર્ષનો મોટો દીકરો મહિલાના ફોનમાં જ ઈન્સ્ટાગ્રામ વાપરે છે.થોડા સમય અગાઉ મહિલાનો દીકરો રીલ્સ જોતો હતો ત્યારે એક રીલમાં ફ્રી મૂવી જોવા માટે vibedeck નામની લિંક બતાવતા હતા.મહિલાના દીકરાએ લિંક પર ક્લિક કરતા vivedeck ની apk ફાઇલ ડાઉનલોડ થઈ હતી.આ ફાઇલ ડાઉનલોડ થતા ફોન હેંગ થઈ ગયો હતો.દીકરાએ માતાને જાણ કરતા મહિલાએ તપાસ કરી તો ફોન જાતે જ અપડેટ થવા લાગ્યો હતો.
બેંક ખાતામાંથી રૂ. 9.97 લાખ ઉપડી ગયા મહિલાએ ફોન રિપેરિંગમાં આપ્યો હતો જે બાદ ફોન ઘરે લાવીને બેંક બેલેન્સ ચેક કરતા 3.47 લાખ જ હતું.મહિલાના ખાતામાં 13 લાખ હતા જેથી બેંક સ્ટેટમેન્ટ તપાસ કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા મહિલાના ખાતામાંથી 9.97 લાખ રૂપિયા અજાણ્યા વ્યક્તિએ ટ્રાન્સફર કરી લીધા હતા.મહિલાએ આ અંગે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

