Gujarat

જૂનાગઢ જિલ્લામાં 108 વિદ્યા સહાયકોની ભરતી કેમ્પ યોજાયો, શાળા પસંદગી બાદ અપાશે નિમણૂક હુકમ

​ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ સમિતિ, જૂનાગઢ દ્વારા વિદ્યા સહાયક ભરતી 2026 અંતર્ગત નિમણૂક માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ જૂનાગઢ જિલ્લાને કુલ 108 વિદ્યા સહાયકો ફાળવવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લાને કુલ 108 વિદ્યા સહાયકો એલોટ કરવામાં આવ્યા જેનાથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરાવાની સાથે શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. ​આ ભરતી કેમ્પ અંગે માહિતી આપતા જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢમાં આજરોજ વિદ્યા સહાયક ભરતી 2026ની નિયુક્તિનો કેમ્પ યોજાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાને કુલ 108 વિદ્યા સહાયકો એલોટ કરવામાં આવ્યા છે.

​લતાબેન ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે, આજરોજ ફાળવાયેલા તમામ 108 ઉમેદવારો કેમ્પમાં પૂરેપૂરા હાજર રહ્યા છે અને હાલમાં તેમની શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે જ તમામ ઉમેદવારોની શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ કરીને આજે જ તેમને સ્થળ પર નિમણૂક હુકમ પણ આપી દેવામાં આવશે, જેથી નવા શિક્ષકો ઝડપથી પોતાની ફરજ પર હાજર થઈ શકે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની સ્કૂલોના વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળશે ​જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે શિક્ષણ ક્ષેત્રે થનારા ફાયદા અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ધોરણ 1થી 5માં જે 108 ઉમેદવારોની ભરતી આજે થનાર છે, તે પૂર્ણ થયા બાદ અમારું શિક્ષક બળ ખાસ્સું વધી જશે અને તેના કારણે જૂનાગઢ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વધુ સારી અને ઉજ્જવળ પ્રગતિ થશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે.