ગોંડલ શહેરના હૃદય સમાન ગણાતા ગુંદાળા રોડ વિસ્તારની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ. 25 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત ‘ગુંદાળા ઓવર બ્રિજ’નું આગામી તા. 30ને સોમવારે રોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ સમારોહ સોમવારે સાંજે 5 કલાકે ગંગોત્રી સ્કૂલની બાજુમાં, ગુંદાળા રોડ ખાતે યોજાશે.
ઓવર બ્રિજનું લોકાર્પણ ૭૩-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે, જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક ખાસ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ મોહિત પાંભર અને ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુંમર વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. આયોજનને સફળ બનાવવા ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન ડી. ગોવાણી, ઉપપ્રમુખ મનસુખ એચ. રૈયાણી, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ આર. જાડેજા, બાંધકામ કમિટીના ચેરમેન અશ્વિન પાંચાણી, ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ એલ. વાળા સહિત નગરપાલિકાના તમામ ચેરમેન, સદસ્યો અને કર્મચારી ગણ જહેમત ઉઠાવી રહ્યો છે.

