Gujarat

RMC બજેટમાં સૂચવાયેલા કામોનું સ્ટેટસ આપવા સ્ટેન્ડિંગનો અધિકારીઓને આદેશ

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ આગામી બજેટ પૂર્વે વિકાસકામોની સમીક્ષા શરૂ કરી છે, જેમાં લાયન સફારી પાર્ક માટે રૂ. 7.94 કરોડના વધારાના ખર્ચની દરખાસ્ત અને અટલ સરોવરની 42 દુકાનોમાં સુવિધા વધારી નવેસરથી હરરાજી કરવાની તૈયારી હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગત બજેટના કામોનું સ્ટેટસ આપવા પણ અધિકારીઓને આદેશ અપાયા છે.

લાયન સફારી પાર્કનું કામ બે મહિનાથી બંધ લાયન સફારીમાં રૂ. 7.94 કરોડના રિવાઈઝ ખર્ચલાયન સફારી પાર્કનું 90% કામ પૂર્ણ થયા બાદ એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટિઝ માટે રૂ. 7,94,59,444ના રિવાઈઝ ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ નામંજૂર કરી ટીપી વિભાગ પાસે તેનો જવાબ માંગ્યો હતો, જેના કારણે બે માસથી કામ બંધ પડ્યું છે.

અગાઉ રૂ. 16,66,40,556નો ખર્ચ મંજૂર થયો હતો અને 3.10 લાખ ચો.મી. જમીન પર ડીપીઆર બન્યો હતો. જોકે, તમામ પેટા કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ કામ શરૂ કરાવી દેવાતા બાંધકામ ખર્ચ વધ્યો હોવાનો અને 11,000 ચો.મી. જમીન વધારાની ન હોવાનો ખુલાસો અધિકારીઓએ કર્યો છે.

કોન્ટ્રાક્ટરને ચૂકવણા માટે ખર્ચ જરૂરી હોવાનું જણાવી અધિકારીઓએ ખુલાસા સાથેની ફાઇલ મ્યુ. કમિશનરને સુપરત કરી છે, જે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થવાની શક્યતા છે. આ દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર લાગતા જ સાસણ જેવા લાયન સફારી પાર્કનું કામ ફરી શરૂ થશે.

આ સાથે ગાર્ડન વિભાગે પણ પાર્કમાં પ્રાણીઓ ફરતા હોય તેવા વિસ્તાર અને આસપાસમાં કુલ રૂ. 1.90 કરોડના ખર્ચે ઘનિષ્ઠ વૃક્ષારોપણ તથા 5 વર્ષ મેન્ટેનન્સની દરખાસ્ત પણ થવાની શક્યતા છે. જેથી મુલાકાતીઓને પાર્કની આસપાસ અસલી જંગલનો અહેસાસ થશે. આ માટે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ અધિકારીઓની સાથે પરામર્શ શરૂ કર્યો છે.