Gujarat

જાણીતી આંગડીયા પેઢીની ખોટી ઓળખ આપી ભેજાબાજે અમદાવાદના વેપારી પાસેથી પુડુચેરીથી 35 લાખ પડાવી લીધા

અમદાવાદના અખબારનગરના ટ્રાવેલ્સના વેપારીએ ગુગલ પરથી આંગડીયા પેઢીનો નંબર મેળવ્યો હતો. જે બાદ પુડુચેરીથી 35 લાખ રૂપિયા મંગાવવા જતાં ગઠિયાઓએ જાણિતી આંગડીયા પેઢીની ખોટી ઓળખ આપી 10 રૂપિયાની નોટનું બનાવટી ટોકન મોકલી 35 લાખની છેતરપિંડી કરી. વેબસાઈટ પર એક જ નંબરથી અલગ-અલગ પેઢીના બોગસ નામો દર્શાવી કૌભાંડ આચરતા રાજસ્થાનના ઠગ સહિત આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વેપારીને ગઠિયાોએ 10ની નોટનું ખોટું ટોકન મોકલ્યું અખબારનગરમાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા 35 વર્ષીય સૌરભ ભટ્ટે પુડુચેરીના મિત્ર નવિન પાસેથી 35 લાખ રૂપિયા આંગડીયા મારફતે મંગાવવા ગુગલ પરથી આર.કે.આંગડીયા પેઢીનો નંબર લીધો હતો. 28થી 29 ઓક્ટોબર દરમિયાન ઠગોએ વોટસઅપ કોલ દ્વારા આર. કે. આંગડીયાની ખોટી ઓળખ આપી હતી.

મનિષકુમાર નામના માણસ દ્વારા પુડુચેરીથી 10 રૂપિયાની નોટના ટોકન પર 35 લાખ રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ સૌરભને 10 રૂપિયાની નોટનું ખોટું ટોકન મોકલી એલિસબ્રિજની પેઢીમાંથી રૂપિયા લેવા જણાવ્યું હતું, પરંતુ સૌરભ ત્યાં જતા કોઈ રકમ આવી ન હતી. જેથી પોતાની સાથે છેતરપિંડીની જાણ થઈ હતી.

બે સામે નામજોગ સહિત ત્રણ સામે ફરિયાદ 30 ઓક્ટોબરે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ સૌરભે જાતે તપાસ કરતાં જસ્ટ ડાયલ પર એ જ નંબર આર.કે. એન્ટરપ્રાઈઝના નામે જોવા મળ્યો હતો.

સૌરભે લખનઉ 15 લાખ રૂપિયા મોકલવાના બહાને તપાસ કરતાં સારંગપુરની ઘંટાકર્ણ માર્કેટની ઓફિસ પરથી જાણવા મળ્યું કે રાજસ્થાનના પાલી જિલ્લાનો ફુલસીહ ચંદનસિંહ વેબસાઈટ પર અલગ-અલગ પેઢીના ખોટા નામો અને એક જ નંબર રાખી કસ્ટમર સાથે છેતરપિંડી કરે છે. સૌરભે 28 નવેમ્બરે ક્રાઈમ બ્રાન્ચમાં ફુલસિંહ, મનિષકુમાર તથા અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.