Gujarat

વાસણામાં આગથી 150 ઝૂંપડાં બળીને ખાખ

અમદાવાદમાં મેટ્રો સર્વિસ સ્ટેશન પાસે વાસણા કેનાલ પર લાગેલી આગમાં આશરે 150 ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં. આગમાં પરિવારોનાં અનાજ, વાસણો, કપડાં અને ગોદડાં બળી ગયાં હતાં.મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વીરુભાઈ અલગોતરે સ્થળની મુલાકાત લીધી.

પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટે મંડપ ઊભો કર્યો.દરરોજ 300 લોકોને બપોરે અને સાંજે ભોજન પીરસવાની વ્યવસ્થા કરવામાં આવી. મહિલાઓ, પુરુષો અને બાળકોને જરૂરિયાત મુજબ કપડાં અપાયાં. મહિલાઓને સાડીઓ, તેમજ સ્વેટર, ગોદડાં અને ચાદરોનું પણ વિતરણ કરાયું.

પરિવારોને રસોઈ માટે વાસણો અને પાંચ દિવસ ચાલે એટલી અનાજ-કરિયાણાની કિટ આપવામાં આવી. ઝૂંપડાં ફરી ઊભાં કરવા છાપરાં માટે તાડપત્રી અને બાજુઓ ઢાંકવા ગ્રીન નેટ અપાઈ. બાળકોને ચોપડા, સ્ટેશનરી અને રમકડાં પણ આપવામાં આવ્યાં.વીરુભાઈ અલગોતર, અશ્વિનભાઈ શાહ, મુકેશભાઈ ચૌધરી અને ખુશીબેન પંડ્યા સ્થળ પર હાજર રહ્યાં. તેમણે પરિવારોને પાસ આપ્યા અને સામગ્રીના વિતરણની વ્યવસ્થા સંભાળી.

મજૂર સંગઠનના પૂનમભાઈ અને લદામભાઈ પણ સહાયકાર્યમાં જોડાયા. તેમના સહયોગથી રાહતસામગ્રી જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી.