નવીદિલ્હી
ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સના કેસ ૨૧૦૦ને પાર કરી ગયા છે. દેશમાં ઓમિક્રોનના કેસ વધીને ૨૧૩૫ થઈ ગયા છે, જ્યારે અત્યાર સુધીમાં ૮૨૮ દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૬૫૩ કેસ છે અને ૪૬૪ કેસ સાથે દિલ્હી બીજા નંબરે છે. શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ)ના નેતા સુખદેવ સિંહ ઢિંડસા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુખદેવ સિંહ ઢિંડસા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જવાના હતા અને સ્ટેજ શેર કરવાના હતા, પરંતુ રેલીમાં જતા પહેલા જ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૫૦ હજારને વટાવી ગયા છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં ૫૮,૦૯૭ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૫,૩૮૯ દર્દીઓ સાજા થયા છે. જાે કે, આ દરમિયાન ૫૩૪ લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં દેશમાં કુલ ૩૫,૦૧૮,૩૫૮ કેસ નોંધાયા છે અને હાલમાં ૨,૧૪,૦૦૪ એક્ટિવ કેસ છે.દેશમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ થવાની સંભાવના છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા પ્રકારોના કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી કોરોનાના મામલામાં ફરીથી સંવેદનશીલ રાજ્યો બની રહ્યા છે. રાજ્યોની સરકારો કોરોનાને નિયંત્રિત કરવા માટે ઘણા નિયંત્રણો લાદી રહી છે અને હોસ્પિટલો એલર્ટ મોડ પર છે. દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારા વચ્ચે દિલ્હીમાં ૧૨૦ ડોક્ટરો કોરોના સંક્રમિત થઈ ગયા છે અને તેઓ રાજધાનીની ચાર મોટી હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઈન થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે ડેપ્યુટી ઝ્રસ્ અજિત પવારે મુંબઈમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
