વડોદરા
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં શિક્ષણ વિભાગ સહયોગી અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના તરુણોના રસીકરણની ૯૮.૯ ટકા કામગીરી પૂરી કરી છે. આ અભિયાન ૩ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે તેના હેઠળ ૬૮૫૦૨ તરુણો રસી લેવાને પાત્ર હતા. આ પૈકી ૬૭૭૧૬ તરુણોએ રસી લઈ લીધી છે. ગઇકાલે વધુ ૭૫૬ તરુણોને રસી મૂકવામાં આવી હતી. વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓ પૈકી પાદરામાં ૧૦૮.૭, ડભોઇમાં ૧૦૮, વડોદરા તાલુકામાં ૧૦૮ અને શિનોર ૧૦૦.૯ ટકા,એમ ચાર તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ કામગીરી થઈ છે. જ્યારે સાવલી અને વાઘોડિયામાં ૯૧ ટકાથી વધુ અને ડેસર તથા કરજણમાં ૭૮ ટકાથી વધુ રસીકરણ થયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને રસી લેવા પાત્ર જે તરુણો એ હજુ રસી નથી લીધી તેમના વાલીઓ પોતાના સંતાનો ને સત્વરે રસી અપાવી કોરોના સામે સુરક્ષિત કરે તેવો અનુરોધ કર્યો છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે શહેરમાં કોરોનાના ૬૦૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે માત્ર ૩૧૨ તરુણોએ રસી મુકાવી હતી. મંગળવારે શહેરમાં કુલ ૭૮૩૬ લોકોએ વેક્સિન લીધી હતી.કોરોના સામેની લડાઇમાં વેક્સિનેશન મુખ્ય હથિયાર છે અને હવે ૧૫થી ૧૮ વર્ષના તરુણોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. વડોદરામાં શહેરમાં અત્યાર સુધી માત્ર ૬૦ ટકા કિશોરોનું વેક્સિન થયું છે. જ્યારે જિલ્લામાં કિશોરોનું વેક્સિનેશન ૯૮ ટકાને પાર થઇ ગયું છે. વડોદરા શહેરમાં તરુણોના વેક્સિનેશનની ધમાકેદાર શરૂઆત થઇ હતી. પહેલા જ દિવસે કુલ ૯૬૬૬૦ લાભાર્થીઓમાંથી ૧૯૧૨૮ને વેક્સિન આપી ૧૯.૭૯ ટકાની રોકટેગતિએ શરૂઆત કરી હતી. બીજા દિવસે પણ ૧૪૭૪૧ તરૂણોને વેક્સિન આપી કામગીરી ૩૫ ટકાએ પહોંચી હતી. પરંતુ ત્યાર બાદ દિવસેને દિવસે તરુણોનું રસીકરણ ઘટવા લાગ્યું અને ૧૧ જાન્યુઆરીએ માત્ર ૩૧૨ કિશોરોને વેક્સિન આપવામાં આવી. આમ વડોદરા શહેરમાં કુલ ૫૭૯૯૭ કિશોરોને વેક્સિનેશન સાથે કામગીરી માત્ર ૬૦ ટકાએ પહોંચી છે.


