અમદાવાદ
બોપલના બાલેશ્વર સોસાયટીમાં અન્ય ૧૩ કોમર્શિયલ અનઅધિકૃત બાંધકામને પણ નોટિસ આપી સીલ કરવામાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામ મામલે સોસાયટીના રહીશોએ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને પત્ર લખી જાણ કરી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા કુલ ૧૬ કોમર્શિયલ અને ૮ રહેણાંક મળી ૨૪ મિલકતો સીલ કરવામાં આવી છે. સોસાયટીના ચેરમેન પ્રવિણચંદ્ર ઉપાધ્યાયે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોક્ટર જીતુ પટેલ અને તેમની પુત્રી દ્વારા અમારી સોસાયટીમાં બે બંગલા ખરીદી અને ગેરકાયદે બીજાે માળ ઊભો કરી બંગલામાં હોસ્પિટલ ઉભી કરવા માટે બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેટલાક લોકોએ પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પત્ર લખી જાણ કરી હતી. ઉત્તરાયણના આગળના દિવસે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સોસાયટીમાં ડો. જીતુ પટેલ દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદે બીજા માળ અને અન્ય ગેરકાયદેસર મિલકતોને નોટિસ આપી અને સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ફતેહવાડી કેનાલ વિસ્તારમાં પણ આઠ જેટલા રહેણાંક મકાન જે બી યુ પરમિશન વગરના હતા તેને સીલ કર્યાં છે. બોપલ અન્વેષણ સોસાયટીમાં અને ચાંદખેડા પાર્શ્વનાથનગરમાં આવેલા એક એક કોમર્શિયલ મિલકતને સીલ માર્યું છે. વટવા વિસ્તારમાં યજ્ઞેશ સોસાયટીમાં ૫ કોમર્શિયલ પ્રકારનું, ઓઢવ વિસ્તારમાં વિશાલા-૧૧૧ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ૫ શેડ અને ખોખરા આશીર્વાદ પકોડી હાઉસ એમ ૧૨ જેટલા ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. એસ્ટેટ વિભાગે સુધીમાં વેલીડ બી યુ પરમિશન ન ધરાવતાં ૬૫૩ કોમર્શિયલ અને ૩૭૯ રહેણાંક મળી કુલ ૧૦૩૨ મિલકતોને સીલ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને બીયુ પરમિશન વગર ચાલતી બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉત્તરાયણના આગલા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડૉ. જીતુ પટેલ અને તેમની પુત્રી દ્વારા બોપલ વિસ્તારમાં આવેલા બાલેશ્વર બંગલોઝ (પંચદીપ કો.ઓ સોસાયટી)માં તેમના બંગલામાં જ બીજાે માળ ગેરકાયદે ઉભો કરતા નોટિસ મારી સીલ કર્યો છે.


