સુરત
બિલવાણની આદર્શ નિવાસી કન્યા શાળા આદિજાતિ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારવામાં મહત્વનું યોગદાન આપશે. આ શાળામાં ધો.૯થી ૧૨ની ૩૨૦ દીકરીઓ નિવાસ અને અભ્યાસ કરી શકશે, જેઓ તેમના પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનશે. આગામી સમયમાં ઉમરપાડા તાલુકામાં રૂ.૨.૫૦ કરોડના ખર્ચે અદ્યતન આદિવાસી ભવન નિર્માણ પામશે એમ જણાવતાં રાજ્ય સરકારે તાજેતરમાં ઉમરપાડા તાલુકામાં અંદાજિત રૂ.૭ કરોડના નવા રસ્તા, પુલો સહિતના જનસુવિધા વધારતા વિકાસકામો મંજૂર કર્યા છે, જેની કામગીરી ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે એમ વસાવાએ હર્ષ સાથે ઉમેર્યું હતું. વસાવાએ વધુમાં જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં રાજય સરકારે અનેકવિધ વિકાસકામોની હારમાળા સર્જી છે. આદિવાસી કિસાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભા રહી શકે તે માટે તેમને શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, પરિણામે પછાત વર્ગ તરીકે ઓળખાતો આદિજાતિ સમાજ આજે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેમણે રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના, વ્હાલી દીકરી યોજના, એકલવ્ય મોડેલ અને આદર્શ નિવાસી શાળાઓ સહિતની અનેકવિધ યોજનાઓ અને આદિજાતિ કલ્યાણલક્ષી પગલાંઓની વિગતો આપી હતી. નોંધનીય છે કે, નિવાસી શાળામાં પ્રત્યેક રૂમમાં ૮ કન્યાઓ રહી શકે તેવા એટેચ્ડ ટોયલેટ-બાથરૂમ સાથેના રૂમો નિર્માણ પામશે. શાળાના કેમ્પસમાં અદ્યતન કિચન, ભોજનાલય, રમત-ગમતનું મેદાન, બગીચો, પ્રાર્થના ખંડ, લેબોરેટરી, લાયબ્રેરી, સ્ટાફ ક્વાટર્સની સુવિધા ઉભી થશે.સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રૂ.૩૨ કરોડના ખર્ચે સાકાર થવા ખર્ચે આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવન, કન્યા છાત્રાલય અને સ્ટાફ ક્વાર્ટર્સ નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
