વડોદરા
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા પણ જુદા-જુદા વિસ્તારોમાં સારવાર કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વિતેલા બે દિવસ દરમિયાન પતંગના દોરાથી ઘવાયેલા ૩૦૦થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે અને હજુ પણ ઘવાયેલા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવી રહ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું.વડોદરા શહેરમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરીથી ઘવાયેલા ૭૦૦થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સારવાર કેન્દ્રો દ્વારા ૩૦૦ જેટલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા રોજેરોજ મૃતક પક્ષીઓને અગ્નિદાહ આપવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓના જીવ બચાવવા માટે જી.વી.કે. ઇએમઆરઆઇ, ગુજરાત રાજ્ય પશુપાન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અલગ-અલગ સ્થળોએ સારવાર કેમ્પ રાખવામાં આવ્યા હતા. જેમાં ફરતા પશુ દવાખાનાની પાંચ એમ્બ્યુલન્સ સાથે કરૂણા એમ્બ્યુલન્સ મળી કુલ ૭ એમ્બ્યુલન્સ પણ આ સેવામાં જેડાઇ હતી. વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે ૭૦૦ ઇજાગ્રસ્ત પક્ષીઓ પૈકી ૧૪૫ જેટલા પશુઓની સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ જાેડાઇ હતી. જેમાં કબૂતર, કાબર અને ઘુવડ જેવા ઘાયલ પક્ષીઓની વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરી પક્ષીઓનો જીવ બચાવ્યો હતો.


