મહેસાણા
કડીના નારણપુરા સીમમાં માઇનોર કેનાલમાં પાણીનો વધારો થતા ઓવરફ્લો થયેલું પાણી અક્ષય રતિલાલ પટેલ અને માધવસંગ દરબાર સહિત ખેડૂતોના ૧૦થી ૧૫ વિઘા જમીનમાં ઘઉંના પાકમાં પાણી ફરી વળ્યું હતું. ઘઉંના ઉભા પાકમાં નર્મદા માઇનોર કેનાલનું પાણી ફરી વળતા પાક બળી જવાનો ખતરો ઊભો થતાં મોંઘવારીના ડામથી દાઝેલા ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને છેલ્લા બે દિવસથી રજૂઆત કરી હોવા છતાં કોઈ અધિકારી હજુ સુધી ડોકાવા પણ આવ્યા નથી. નારણપુરાના ખેડુત અક્ષય પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે, છેલ્લાં ત્રણ વર્ષથી માઇનોર કેનાલમાંથી પાણી ઊભરાઈને ગામના ખેડુતોના ખેતરમાં ફરી વળે છે અને નહેરના અધિકારીઓને માઇનોર કેનાલ ઉપર દિવાલ બનાવવાનું પણ કહ્યું છે, પરંતુ કોઇ અધિકારીઓ અમારા ગામની મુલાકાત ન લેતા હોવાનું જણાવ્યું હતું.કડી તાલુકાના કરણનગરથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં પાણી કડી તાલુકાના નારણપુરા ગામની સીમના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી ૧૦થી ૧૫ વીઘા જમીનમાં વાવેલ ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં વાવેલ ઘઉંના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ હતું.


