મહેસાણા
કડી તાલુકામાં ૧૦૮ની ટીમને ગલોદરા ગામે રહેતા શિલ્પાબેન હીરાણીને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેમને તાત્કાલિક પ્રસુતિ માટે લઇ જવાની ફરજ પડી હતી. જ્યાં પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા કડીની ૧૦૮ તાબડતોબ ૩૦ મિનીટમાં ૨૮ કિલોમીટર કાપી ગલોદરા ગામ પહોંચી હતી. જ્યાં મહિલાને અસહ્ય પીડા ઉપડતા ઘરે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જાે કે ઇએમટી હિતેન્દ્ર અને પાયલોટ પંકજભાઈએ વહેલી તકે પોતાની એમ્બ્યુલન્સ પહોંચતી કરી સફળ ડિલિવરી કરાવી હતી. બાદમાં માતા અને બાળકને કડીની સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઇ મહિલા અને તેમના પરિવાર દ્વારા ૧૦૮ની ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો.રાજ્યની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ત્યારે એકવાર ફરીથી મહિલા અને તેમના બાળકો માટે ૧૦૮ દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કડી તાલુકાના ગલોદરા ગામમાં પ્રસૂતાની હાલત ખરાબ થતા ગ્રામ્ય વિસ્તારમાં જઇ ઘર પાસે જ ૧૦૮ની ટીમે મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી અને હાલમાં માં-બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.


