મુંબઈ
ભારતીય ટીમમાંથી અનુભવી અને સ્ટાર ખેલાડી સુમિત નાગલને પડતો મૂકવામાં આવ્યો છે જ્યારે યૂકી ભાંબરીનું લાંબા સમય બાદ ભારતીય ટેનિસ ટીમમાં પુનરાગમન થયું છે. નેશનલ ટેનિસ ફેડરેશને બુધવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.વિશ્વમાં હાલમાં ૨૨૨મો ક્રમાંક ધરાવતા સુમિત નાગલને સ્થાને ૮૬૩મા ક્રમના યૂકી ભાંબરીને ટીમમાં સામેલ કરાયો છે. આ ઉપરાંત સિંગલ્સ ખેલાડી તરીકે ભારતીય ટીમમાં રામકુમાર રામનાથન (૧૮૨મો ક્રમાંક) અને પ્રજનેશ ગુણેશ્વરન પણ સામેલ છે. ગ્રાસ કોર્ટ પર મેચો રમાનારી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવી છે તેમ કહીને ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના બંને મોખરાના ક્રમના સિંગલ્સ ખેલાડી રામકુમાર રામનાથન અને યૂકી ભાંબરી ગ્રાસ કોર્ટના નિષ્ણાત છે. બીજી તરફ ગુણેશ્વરન અને સુમિત નાગલ ગ્રાસ કોર્ટના ખેલાડીઓ નથી. આ ઉપરાંત ડબલ્સ સ્પેશિયાલિસ્ટ રોહન બોપન્નાએ તેનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે તેની સાથે પાર્ટનર તરીકે દિવિજ શરણ રમશે. ભૂતપૂર્વ ખેલાડી ઝીશાન અલીના કોચિંગમાં રમનારી ટીમમાં રોહિત રાજપાલ નોન-પ્લેઇંગ કેપ્ટન રહેશે. ભારતે ટીમ જાહેર કરવાની સાથે સાથે સાકેત માયનેની અને દિગ્વિજય પ્રતાપ સિંઘને રિઝર્વ ખેલાડી તરીકે રાખ્યા છે. ચોથી અને પાંચમી માર્ચે દિલ્હી જિમખાનાની ગ્રાસ કોર્ટ પર ભારત અને ડેનમાર્ક વચ્ચે ડેવિસ કપનો આ મુકાબલો યોજાશે જે સંપૂર્ણપણે બાયો સિક્યોર બબલ વચ્ચે રમાશે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશનના પસંદગીકારોએ વર્ચ્યુઅલ બેઠક યોજીને ટીમની પસંદગી કરી હતી. ૨૩મી ફેબ્રુઆરીએ ટીમના ખેલાડીઓ નવી દિલ્હી પહોંચીને ટ્રેનિંગનો પ્રારંભ કરશે.


