સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની ધરતીમાંથી કાચા સોના સમાન ખનીજની ચોરી કરીને કરોડો રૂપિયાનું સરકારી તિજાેરીને નુકસાન કરતા હોવાની રાવ ઉઠી છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ સાયલા પંથકમાં ૧૨૧ લીઝ ધારક અને સૌથી ઓછા પાટડી તાલુકામાં ૩ સહિત કુલ ૩૯૧ લીઝધારક તંત્રના ચોપડે નોંધાયેલા છે. છતાં રેતી, પથ્થર, કાર્બોસેલ સહિતનું દિવસ-રાત બેરોકટોક રીતે ભૂમાફિયાઓ ખનન કરી રહ્યા છે. તો તેની સામે દિવસે દિવસે તેનું વહન કરતા મસમોટા વાહનોની સંખ્યા પણ વધી ગઇ છે. પરિણામે જિલ્લામાં ખનીજ ચોરી સાથે તેનું વહન અને સંગ્રહની પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે એપ્રિલ-૨૦૧૯થી લઇને તા. ૧૦ ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં રૂ. ૨૦.૩૦ કરોડોની ખનીજ ચોરી ઝડપાઇ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે આવી પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે ૧૧૧૯ કેસ પણ કરાયા હતા. જિલ્લામાં ૩૯૧ લીઝની સંખ્યા સામે પણ ગેરકાયદે ખનીજના ખનન, વહન અને સંગ્રહના કારણે તંત્રએ પણ જુદી જુદી ટીમો બનાવીને રાત-દિવસ ચેકિંગ સાથે દરોડાઓની કાર્યવાહી કરી રહ્યું છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી એ.બી.ઓઝાએ જણાવ્યું કે, ગેરકાયદે ખનીજની પ્રવૃત્તિ કરતા તત્વોને નોટિસ પણ ફટકારવામાં આવે છે. અને ઘણા કેસમાં ફરિયાદ પણ કરવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનું ખનન સાથે વહનની પ્રવૃતિ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આવા તત્વોની સામે કાર્યવાહી કરાતા છેલ્લા ૩ વર્ષમાં રૂ. ૨૦.૩૦ કરોડની ખનીજ ઝડપાઇ હતી. જેના કારણે ખનીજ ચોરી મામલે ૧૧૧૯ કેસ પણ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ એપ્રિલ-૨૦૨૦થી માર્ચ -૨૦૨૧ સુધીમાં સૌથી વધુ ૭.૩૨ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ હતી.


