છોટાઉદેપુર ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો
છોટાઉદેપુર: આગામી તા. ૨૪મી, ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા શ્રી. એસ.એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આગોતરા આયોજન અંગે જિલ્લા
કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આપવામાં આવનાર સહાયના લાભાર્થીઓની કરવામાં
આવી રહેલી ડેટા એન્ટ્રી અંગે વિગતે સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે તમામ વિભાગોને લાભાર્થીઓની ડેટા એન્ટ્રી
સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન થાય એ માટે તેમણે કેટલાક સકારાત્મક સૂચનો કરી
ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની તૈયારીઓ સમયમર્યાદમાં આટોપી લેવામાં આવે એ માટે સમિતિઓનું પણ ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોને સાંકળી લેતી વિવિધ સમિતિઓની કામગીરી
સંદર્ભે વિગતે
માર્ગદર્શન આપી જિલ્લા કલેકટરે કાર્યક્રમના સ્થળે તમામ મર્યાદાઓ સમયસર પૂર્ણ થાય એવી તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.
વધુમાં કાર્યક્રમના સ્થળે કરવાની થતી મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પીવાના પાણીની સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતે ચર્ચા કરી તમામ વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં પ્રયોજના વહીવટદાર વી.સી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી વિકલ ચક્રવર્તી, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન.ભગરિયા, કાર્યપાલક ઇજનેર રાઠવા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
