જામનગર તા. ૨૧ ફેબ્રુઆરી,જામનગરના કલેકટરશ્રી ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં વન સ્ટોપ સેન્ટરની ડીસ્ટ્રીકટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વન સ્ટોપ સેન્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી દ્વારા કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી જેમાં ઓક્ટોબર ૨૦૨૧ થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં કુલ ૮૬ કેસો આવેલા હતા જેમાં ૬૭ કેસો ઘરેલું હિંસાના, ૯ કેસો ગુમ થયાના તથા ૧૦ અન્ય કેસો જેમાં નાણાંકીય અથવા અન્ય રીતે હેરાનગતિના કેસોનો સમાવેશ થાય છે. મોટાભાગના કિસ્સામાં બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવેલ અને જે કેસોમાં સમાધાન થઈ શકેલ નહિ એવા કેસોને કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અસરગ્રસ્ત મહિલાઓ સેન્ટરની સેવા મેળવે અને પોતાની સમસ્યાનું સમાધાન મેળવે એવા સતત પ્રયત્નો વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં પોલીસ વિભાગ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન તથા અન્ય સામાજિક સંસ્થાઓનો સહકાર પણ મળી રહે છે. કલેકટરશ્રી દ્વારા તમામ વિભાગો સાથે સંકલન કરવા અને સેન્ટરની સેવા મેળવેલ મહિલાઓના સમયાંતરે ફોલોઅપ લેવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, ડી.વાય.એસ.પી.શ્રી ચાવડા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભારતીબેન ધોળકિયા, આર.એમ.ઓ.શ્રી, (ઇ.ચા) ડો. એ.એમ.દલ, બાળ વિકાસ યોજના અધિકારી ગીતાબેન મારવાણિયા, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી અને સોનલબેન વર્ણાગર, સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાથનાબેન શેરસિયા, વન સ્ટોપ સેન્ટર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અન્ય કર્મચારીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
