Gujarat

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં “મહિલા શક્તિ કેન્દ્ર” ડીસ્ટ્રીકટ લેવલ મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર તા. ૨૧ ફેબ્રુઆરી,જામનગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં મહિલા શક્તિ કેન્દ્રની ડીસ્ટ્રીકટ લેવલ મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ સમીક્ષા બેઠકમાં મહિલા શક્તિ કેન્દ્રના નોડલ અધિકારી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી દ્વારા મહિલા શક્તિ કેન્દ્રની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ, મહિલા દિવસ, બાળ દિવસ વગેરે જેવા દિવસોની ઉજવણી કરી સમાજમાં દીકરા-દીકરી વચ્ચે થતા ભેદભાવો દૂર કરવા જાગૃતિ લાવવા આઈ.સી.ડી.એસ.વિભાગ તથા આરોગ્ય વિભાગ સાથે રહીને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તથા ૪૦ જેટલી ડ્રોપ આઉટ કિશોરીઓનો શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી શાળામાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

તદઉપરાંત ૧૦૫ જેટલી કિશોરીઓને આત્મનિર્ભર બનવા માટે પેન સ્ટેન્ડ બનાવવા, પગ લુછણિયા બનાવવા તથા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેની તાલીમ આપી હતી. આંગણવાડીમાં નોંધાયેલ કિશોરીઓને અંગત સ્વચ્છતા માટે સમજણ આપી અને હાઇઝીન કીટ વિતરણ જેવી પ્રવૃત્તિઓ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ. મહિલા અને બાળકોને લગતી વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ કેંદ્ર દ્વારા હાથ ધરાઇ હતી તેમ મહિલા શક્તિ કેન્દ્રના નોડલ અધિકારીશ્રી ભાંભીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભારતીબેન ધોળકિયા, બાળ વિકાસ યોજના અધિકારી ગીતાબેન મારવાણિયા, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી અને સોનલબેન વર્ણાગર, મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી રૂકસાદ ગજણ, આઈ.સી.ડી.એસ.ના પૂર્ણાં કન્સલટન્ટ મેઘલબેન શ્રીમાળી, ફિલ્ડ ઑફિસર કે.ડી.ચેતરીયા, સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા કોર્ડિંનેટર હેતલબેન દવે તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *