અમદાવાદ
ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં વાયરલેસ ટેલિકોમ સબ્સક્રાઇબર એટલે કે મોબાઇલ ફોન યૂઝર્સની સંખ્યામાં ૨૫ લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જૂન ૨૦૨૧માં ૭ કરોડ યૂઝર્સ હતા જેમાંથી ઘટી ડિસેમ્બરમાં તે સંખ્યા ૬.૭૪ કરોડ થઈ ગઈ છે. આ ૬ મહિનાના ગાળામાં તમામ સર્વિસ પ્રોવાઇડરના સબ્સક્રાઇબરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ સબ્સક્રાઇબર વોડાફોન-આઇડિયાના ૯.૯૫ લાખ ઘટ્યા જ્યારે સૌથી ઓછા બીએસએનએલના ૨.૧૦ લાખ ઘટ્યા છે. રિલાયન્સ જિઓના ૯.૨૧ લાખ સબ્સક્રાઇબર ઘટ્યા હોવા છતાં હજુ પણ તે રાજ્યમાં સૌથી વધુ ગ્રાહક સંખ્યા ઘરાવતી સર્વિસ પ્રોવાઇડર કંપની છે. સમાન સમયગાળામાં દેશમાં પણ મોબાઇલ યૂઝર્સમાં ધરખમ ૨.૬૨ કરોડનો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઘટાડો સામાન્ય વધુ છે. દેશમાં જૂનમાં ૧૧૮.૦૮ કરોડ સબ્સક્રાઇબર હતા જ્યારે ડિસેમ્બરમાં તે ૧૧૫.૪૬ કરોડ થઈ ગયા છે. ભારતમાં વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧૦૦ કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ સક્ષમ ફોન વેચવામાં આવશે. ડેલૉઇટના એક અધ્યયન મુજબ દેશમાં ૨૦૨૧માં લગભગ ૭૫ કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હતા. આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાનું બીજું સૌથી વધુ સ્માર્ટફોન નિર્માતા બનવા માટે તૈયાર છે. ડેલૉઇડના ૨૦૨૨ ગ્લોબલ ટીએમટી (ટેક્નોલોજી, મીડિયા, એન્ટરટેનમેન્ટ, ટેલિકોમ)નું અનુમાન છે કે ૨૦૨૬ સુધી સ્માર્ટફોન બજાર ૧૦૦ કરોડ યૂઝર્સ સુધી પહોંચશે. આ વૃદ્ધિ ૨૦૨૧ અને ૨૦૨૬ની વચ્ચે શહેરી વિસ્તારોમાં ૨.૫ ટકાની વૃદ્ધિની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં ૬ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી સંચાલિત થવાની આશા છે. ઇન્ટરનેટને અપનાવવાથી સ્માર્ટફોનની માંગ વધવાની આશા છે, તે વધતી માંગ ફિનટેક, ઇ-વેલ્થ અને ઇ-લર્નિંગને અપનાવવાની જરૂરિયાતથી પ્રેરિત છે. ભારતનેટ કાર્યક્રમ હેઠળ ૨૦૨૫ સુધી તમામ ગામોને ફાઇબર-ઓપ્ટ કરવાની સરકારની યોજના ગ્રામ્ય માર્કેટમાં ઇન્ટરનેટ-સક્ષમ ઉપકરણોને પણ પ્રોત્સાહન આપશે. ૨૦૨૬માં શહેરી માર્કેટમાં ૯૫ ટકા ફેરફાર નવા સ્માર્ટફોનમાં હશે જ્યારે ૨૦૨૧માં માત્ર ૫ ટકા પ્રી-ઓન્ડ ફોન હશે જ્યારે ક્રમશઃ ૭૫ ટકા અને ૨૫ ટકા ફેરફાર હશે. દેશમાં સ્માર્ટફોનની માંગ ૨૦૨૧માં ૩૦ કરોડથી વધીને ૨૦૨૬માં ૪૦ કરોડ સુધી, ૬ ટકાની વૃદ્ધિની આશા છે. ૫જી નેટવર્કના લૉન્ચ બાદ મોબાઈલ યુઝર્સમાં વધુ નોંધાવાની આશા છે. તેના કારણે ૮૦ ટકા ડિવાઇસ એટલે કે અંદાજિત ૩૧ કરોડ યૂનિટ ૨૦૨૬ સુધીમાં ૫જી સપોર્ટવાળા હશે.


