ધોરણ-૧૦ તથા ૧૨ની બોર્ડની પરીક્ષાની અનુલક્ષીને વીજ પુરવઠો જળવાઈ રહે અને એસ.ટી. બસની સેવા સમયસર ચાલે તે માટે અપાઈ સૂચન..
ગિરગઢડા
ભરત ગંગદેવ.
આગામી દિવસોમાં યોજાનાર ધોરણ-૧૦ તથા ૧૨ ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા કેન્દ્ર પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે અને પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચવામાં અગવડતા ન પડે તે માટે ગ્રામ્ય સહિતના વિસ્તારમાં એસ.ટી. બસ સમયસર ચાલે તે સુનિચ્યિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદનમાં યોજાયેલી આ બેઠકમાં ધોરણ-૧૦ તથા ૧૨ની પરીક્ષાઓ સુચારૂ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારી ઓને સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦ તથા ૧૨ બોર્ડની પરીક્ષાઓ જિલ્લાના ૪૩ કેન્દ્રો પર ૧૧૯ બિલ્ડીંગમાં યોજાશે. જેમાં કુલ ૩૧૭૪૦ જેટલા છાત્રો પરીત્રા આપશે.
પરીક્ષા કેન્દ્રો નજીક કલમ ૧૪૪ નું જાહેરનામું બહાર પાડવું, ૧૦૦ મિટર ની ત્રીજયામાં ઝેરોક્ષ મશીન બંધ રાખવા અને જિલ્લામાં પૂરતી સંખ્યામાં પોલીસ સુરક્ષા બળની કામગીરી નિર્ધારિત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ એચ.કે.વાજા,એસ.એસ.સી ઝોનલ અધિકારી એન.ડી.અપારનાથી, એચ.એસ.સી ઝોનલ અધિકારી એસ.વી.ડોડીયા, એસ.એસ.સી ઉનાના ઝોનલ અધિકારી વી.બી.ખાંભલા, સહિતના અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.


