મહેસાણા
મહેસાણા શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે. જ્યાં હાલમાં પાલિકા માત્રને માત્ર નોટિસ નોટિસ રમી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યાં જરૂરી પગલાં ન લેવાતા પાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ મહેસાણા પાલિકા પ્રમુખને શહેરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અંગે એક વર્ષ દરમિયાન પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે લેવાયેલા પગલાંની વિગતો જાહેર કરવા પત્ર લખ્યો છે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામોનો રાફડો થયેલો છે. આ ગેરકાયદેસર બાંધકામો બાબતે આપને જાગૃત પ્રજાજનો દ્વારા, કાઉન્સિલરો દ્વારા, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ગેરકાયદેસર બાંધકામોથી ત્રાહિમામ પ્રજાજનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે. જેમાં આપના દ્વારા શું પગલાં લેવાયા છે?, કેટલા ગેરકાયદેસર બંધકામોને ફક્ત નોટિસ આપવામાં આવી છે?, કેટલા ગેરકાયદેસર બાંધકામો અટકાવાયા? અને કેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા તે અંગેની માહિતી રજૂ કરવા જણાવ્યું હતું. ઉપરાંત કેટલા ગેરકાયદેસર બાંધકામોમાં રજૂઆત છતાં કોઈ પર પગલાં લેવામાં આવેલ નથી તેની વિગતો પણ મહેસાણાની પ્રજા સમક્ષ જાહેર કરવા માંગણી કરાઈ છે.


