ભુજ
ભુજથી અંજાર તરફના ધોરીમાર્ગ પર આવતા કુકમા ગામ નજીક ઔધોગિક એકમ માટે પરિવહન થતા પાર્ટ્સ સાથેનું મહાકાય ટ્રેલર માર્ગ વચાળે જ અટકી પડતાં બંન્ને તરફના માર્ગે વાહન વ્યવહારમાં અવરોધ ઉભો થયો હતો. જેના કારણે વાહનચાલકોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી. જાે કે ઘટનાની જાણ પદ્ધર પોલીસમાં થતા સ્ટાફના કર્મચારીઓએ તાકીદના ધોરણે સ્થળ પર પહોંચી ટ્રાફિક સરળ બનાવ્યો હતો. અલબત્ત રોડની સમાંતર થઈ ગયેલું ટ્રેલર કલાકો સુધી ફાટકની જેમ માર્ગ પર પડી રહ્યું હતું. ભુજના ભુજાેડી ઓવરબ્રિજ પાસે ચાલતા કાર્યને લઈ અવાર નવાર ટ્રાફિક સર્જતો હોય છે. પરંતુ હવે કુકમા પાસે પણ ટ્રેલરના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્દભવી હતી. જ્યાં એક મહાકાય ટ્રેલર ભારેખમ મશીનના પુરજાના કારણે વચ્ચેથી રોડ સાથે અડીને ઉભું રહી ગયું હતું. ફાટક સમાન બનેલું આ ટ્રેલર અન્ય વાહનોના આવાગમન માટે બાધારૂપ બન્યું હતું.
