નવીદિલ્હી
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પર લગભગ ૧૨૧ કરોડની એજ્યુકેશન લોન છે. સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેનથી ભારત પરત આવેલા વિદ્યાર્થીઓમાંથી ૧,૩૧૯ વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી છે. આ વિદ્યાર્થીઓ સામે લોનની બાકી રકમ ૧૨૧.૬ કરોડ રૂપિયા છે. આ ડેટા ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીનો છે. આ ડેટા ૨૧ ખાનગી બેંકો દ્વારા શેયર કરવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પરની બાકીની લોન માફ કરવા અંગે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે સરકાર હાલમાં યુક્રેન કટોકટીની અસરોનું મૂલ્યાંકન કરી રહી છે. સ્થિતિ સ્થિર થયા બાદ જ આ દિશામાં કોઈપણ પગલા લેવામાં આવશે. આ પ્રશ્ન લોકસભામાં કોંગ્રેસના સાંસદ રવનીત સિંહે ઉઠાવ્યો હતો, જેનો જવાબ નાણામંત્રી ર્નિમલા સીતારમણ પોતે આપી રહ્યા હતા. નાણાપ્રધાને કહ્યું કે સરકારે આ સંદર્ભમાં ભારતીય બેંક એસોસિએશનને બેંકિંગ ક્ષેત્ર પર તેની અસરનું મૂલ્યાંકન કરવા કહ્યું છે. આ સંદર્ભે હોદ્દેદારો સાથે વાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે યુક્રેનથી ૨૨,૫૦૦ ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ત્યાંથી પરત ફરી રહેલા લોકોને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી છે. આ લોકોને રહેવા માટે, ખાવા-પીવા, તબીબી સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી હતી. યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ હતુ. નાણામંત્રીએ કહ્યું કે ભારતીય નાગરિકો સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. સારી વાત એ છે કે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ તમામ વિદ્યાર્થીઓ તેમના દેશમાં પાછા આવી ગયા છે. જીવ બચી ગયો, પરંતુ આ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે. તેણે લાખો રૂપિયાની એજ્યુકેશન લોન લીધી હતી અને ત્યાં જઈને તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતા હતા. યુદ્ધને કારણે ત્યાં બધું નાશ પામ્યું છે. આ વિદ્યાર્થીઓનો અભ્યાસ અધવચ્ચે જ અટવાઈ ગયો છે. તેઓને ડિગ્રી મળી નથી અને બીજી તરફ લાખો રૂપિયાની એજ્યુકેશન લોનનો અલગ બોજ છે.


