મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે જાહેર રજા હોવાથી કામકાજ બંધ રહ્યા હતા.
દરમિયાન, એમસીએક્સ અને બાંગ્લાદેશના ચિત્તગોંગ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (સીએસઈ)એ બાંગ્લાદેશમાં સૌપ્રથમ કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મની સ્થાપના કરવા માટે સહયોગ સાધવા એક કન્સલ્ટન્સી કરાર પર મંગળવારે હસ્તાક્ષર કર્યા છે. આ કન્સલ્ટન્સી કરાર હેઠળ એમસીએક્સ પ્રોડક્ટ્સ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ, ટ્રેડિંગ, વેરહાઉસિંગ, રેગ્યુલેટરી તબક્કાઓ વગેરે ક્ષેત્રોમાં સલાહકારી સેવાઓ પ્રદાન કરશે. આ કરાર પર હસ્તાક્ષર કરવાની વિધિ દરમિયાન ઢાકા અને મુંબઇ ખાતે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાંગ્લાદેશના અર્થતંત્રમાં તાજેતરના વર્ષોમાં ઝડપથી વૃદ્ધિ થઇ છે, જેને સહાયકર્તા નીતિ પર્યાવરણ અને વિવિધ ટેકાત્મક માળખાગત ફેરફારોનું સમર્થન છે. બાંગ્લાદેશ જેવી કોમોડિટી-તીવ્રતાવાળા અર્થતંત્ર અને તેની મૂલ્ય શ્રૃંખલાના ભાગીદારો જેમ કે ઘરેલુ કોર્પોરેટ્સ, ઉત્પાદકો અને ઉપભોક્તાઓને ટ્રેડ થતી વિવિધ કોમોડિટીઓ કે જેનું દેશ ઉત્પાદન કરે છે અને વપરાશ કરે છે તેના માટે ઉપલબ્ધ કાર્યક્ષમ ભાવ જોખમ પદ્ધતિના લાભોથી ભારે ફાયદો થઇ શકે તેમ છે.
બાંગ્લાદેશ તેની સ્વતંત્રતાની 50મી જન્મજયંતિની ઉજવણી કરતું હોવાથી તેમાં કોમોડિટી માર્કેટ્સના વિકાસ માટે માર્કેટ આંતરમાળખાકીય સંસ્થાઓના સર્જનમા આ પ્રસંગ એક અગત્યની સિદ્ધિ છે.
સીએસઈના માનનીય ચેરમેન શ્રી આસિફ ઇબ્રાહીમે આ ઐતિહાસિક ઘટના પર જણાવ્યું હતુ કે, “અર્થતંત્રને વધુ ગતિશીલ અને સારી રીતે જોડાયેલી રહેવામાં મદદ કરવા માટે અમે કોમોડિટી એક્સચેન્જીસની સ્થાપના તરફે સકારાત્મક રીતે કામ કરવાનું શરૂ કર્યુ છે અને આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એક ઐતિહાસિક ઘટના છે અને તે બાંગ્લાદેશના વિકાસમાં એક સિદ્ધિ છે.”
આ પ્રસંગે બોલતા સીએસઈના એમડી શ્રી મોહમ્મદ ગુલામ ફારુકે જણાવ્યું હતુ કે, “આજે ઐતિહાસિક દિવસ છે કેમ કે અમે બાંગ્લાદેશના પ્રથમ ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મના સર્જન તરફે પ્રથમ પગલું ભર્યુ છે. દેશ વિવિધ કોમોડિટીઓમાં સમૃદ્ધ, જૂની અને ગતિશીલ ટ્રેડિંગ સંસ્કૃતિ ધરાવે છે અને એમસીએક્સની મદદથી, ટૂંક સમયમાં દેશમાં કોમોડિટીઝ માટે ભાવ શોધ અને ભાવ જોખમ સંચાલન માટે તંદુરસ્ત પ્લેટફોર્મની સ્થાપના કરીશું તેવો અમને આત્મવિશ્વાસ છે.”
આ કરાર પર ટિપ્પણી કરતા એમસીએક્સના એમડી અને સીઇઓ શ્રી પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતુ કે, “બન્ને દેશો વચ્ચે ગાઢ દ્વિપક્ષી સંબંધોને જોતાં આ ઘટનાની ભારે અગત્યતા છે અને બન્ને એક્સચેન્જો વચ્ચે મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરે છે. બાંગ્લાદેશમાં પ્રથમ કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મની સ્થાપનાનો માર્ગ મોકળો કરતી આ યાત્રાનો ભાગ બનતા અમને આનંદ થાય છે. આ પ્લેટફોર્મ બાંગ્લાદેશમાં કોમોડિટી માર્કેટ્સ અને તેના હિસ્સેદારો માટે નોંધપાત્ર લાભો લાવવા માટેની ભારે તકો ધરાવે છે. સીએસઈને તેના પ્રયત્નમાં ભારે સફળતા મળે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ”
