પાટણ
બ્રહ્મસમાજના ભગવાન પરશુરામ જે બ્રાહ્મણ હતા અને શૂરવિર હતા તેમના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાટણ શહેરના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નવ નિર્માણ પામેલા શ્રી પરશુરામજી ભગવાનના મંદિર પરિસર ખાતે આગામી તા.૨૭એપ્રિલના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને યાદગાર બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્ય સહિતના ટ્રસ્ટી ગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગમા સહભાગી બનવા પાટણના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ પણ આગળ આવ્યો છે અને શ્રી પરશુરામજી ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજીત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત નાઓ દ્વારા બેઠક યોજી તન, મન અને ધન થી સહયોગ આપવાની ખાતરી આપી હતી. મંદિર પરિસર ખાતે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યે ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો અને કાર્યકરોને ઉમળકાભેર આવકારી શ્રી પરશુરામજી ભગવાનના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી ભગવાન શ્રી પરશુરામજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ બ્રહ્મ એકતા અને સમાજના ભવિષ્યના ઘડતર માટે સૌના સહયોગથી આગળના કાર્યક્રમોને ઝડપથી આગળ ધપાવવા પ્રયત્ન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે પાટણ પાચ પરગણા અને પાટણ વાડા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ પણ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યને પૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના પ્રવકતા અશોક ત્રિવેદીએ પણ પોતાની આગવી છટામાં સમાજ બંધુઓને પ્રેરક ઉદબોધન આપી સમાજને એક અને નેક બની આગળ ધપવા હાકલ કરી હતી.
