પાલનપુર
બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ ગણાતી ચેકપોસ્ટમાંથી એક એવી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ લઈ જવામાં આવવાનો હોવાની બાતમી અમીરગઢના પીએસઆઈ એમ.કે.ઝાલાને મળી હતી. જેથી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. જેથી બાતમીમાં જણાવાયેલી સ્વિફ્ટ કાર નંબર જીજે ૦૮ એજે ૨૨૭૭ આબુરોડ તરફથી પૂરઝડપે આવતી હોવાથી કાર ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં પોલીસે તેને રોકી તેમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી વિદેશી દારૂ અને બિયર નંગ ૨૫૪ કિંમત રૂ. ૨૮ હજાર ૭૯૦ સહિત કુલ રૂ. ૩ લાખ ૩૩ હજાર ૭૯૦નો મુદ્દામાલ કબજે લઈ વિદેશી દારૂ લઈ જનારા ઈસમની અટકાયત કરી હતી. ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ જણા નાસી ગયા હતા, જેમના ઉપર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ લઈ જનારી કાર સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને બિયર નંગ ૨૫૪ સહિત કુલ રૂપિયા ૩ લાખ ૩૩ હજારનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.


