મુખ્ય સમાચાર, રાજકોટ
હત્યા તથા એટ્રોસીટીની થયેલી ફરિયાદમાં આરોપી વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજાને અદાલતે જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. કેસની વિગત એવી છે કે શાપરના ફરીયાદીના ભાઈ સામે આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી ધોકા, છરી જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરીયાદીના ભાઈ હરેશ બગડાને હાથે પગે માથાના ભાગે તથા આખા શરીરે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યુ હતું. ઉપરાંત પુરાવાનો નાશ કરવા માટે સગેવગે કરવા મસ્કત પોલીમર્સ વાળી જગ્યાએથી પારડી નેશનલ હાઈવે તેજસ્વી હનુમાનદાદાની જગ્યા નજીક નાખીને પોલીસને ગુમરાહ કરવા માટે ૧૦૮ને એકસીડેન્ટ અંગેનો ફોન કર્યો હતો. આ અંગે આરોપી ગુન્હો કરી નાશી ગયેલ હોવાની ફરીયાદ રજીસ્ટર કરેલ જેમાં આરોપી વિક્રમસિંહ ઉર્ફે વિકકીબાપુ સુખદેવસિંહ જાડેજા તેમજ અન્ય આરોપીઓ સામે શાપર (વે.) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી વિક્રમસિંહ ઉર્ફે વિકકી બાપુ સુખદેવસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવેલી હતી. જેલહવાલે રહેલા આરોપીએ જામીન પર મુકત થવા અદાલતમાં જામીન અરજી કરેલી હતી.
જામનઅરજીની સુનાવણીમાં બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ ધ્વારા કરવામાં આવેલી લેખીત મૌખિક દલીલમાં ચાર્જશીટ થઈ ગઈ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને રાખી ગોંડલ સેસન્સ કોર્ટે આરોપી પક્ષે રજુઆત ધ્યાને લઈ આરોપી વિક્રમસિંહ ઉર્ફે વિકકી બાપુ સુખદેવસિંહ જાડેજાને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે દિપકભાઈ એચ. રાવલ, પરેશભાઈ એચ. રાવલ તથા ભાવેશ બી. ચોલેરા રોકાયા હતા.
