રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર તાલુકાનું આ છે ગાંઠિયા ગામ….ગાબડીયા ગ્રામ પંચાયત મા સમાવિષ્ટ ગાંઠિયા ગામની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો અંતરિયાળ અને ડુંગરો વચ્ચે આ ગામ વસેલું છે,જેને લઈ વર્ષોથી ઉનાળો આવે એટલે પાણીની વિકટ સ્થિતિ સર્જાતી,1800 જેટલી વસ્તી ધરાવતા ગામમા પાણીની સમસ્યા ને નિવારવા અનેક ઠેકાણે બોર કરી હેન્ડપમ્પ પણ લગાવ્યા ….ગામમા અનેક કુવાઓ પણ બનાવાયા પરંતુ ઉનાળાના સમયમાં પાણીના તળ નીચા જતા રહે તો કૂવામાં પણ પાણી સુકાઈ જતું અને હેન્ડ પમ્પ મા પણ પાણી આવવાનું બંધ થઈ જતું…અને લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડતો, અહીંના ખેડૂતો માત્ર ચોમાસુ વરસાદ આધારિત ખેતી જ કરી શકતા..બાકીના સમયમાં અહીંના લોકો જંગલ વિસ્તારમાંથી લાકડા વીણી લાવી વેચી ને તો કેટલાક સૌરાષ્ટ્ર બાજુ મજૂરીએ જતા અને ગુજરાન ચલાવતા…પશુ પક્ષીઓને પીવા માટે પાણી મળતું ન હતું,ચોમાસામાં નજીકના ડુંગરોમાંથી વહીને આવતું વરસાદી પાણી આમ ને આમ વહી જતું શિયાળા અને ઉનાળા દરમિયાન ખેતીની જમીનો બંજર બની જતી…ગામમાં પાણી ની આ સમસ્યાને નિવારણ લાવવા ગામના સરપંચ વરસનભાઈ રાઠવાએ ગ્રામસભામા ગામમાં એક તળાવ બનાવવા અંગે નિર્ણય લઇ ઠરાવ કર્યો અને ગ્રામસભાના નિર્ણયને માન્ય રાખી મનરેગા યોજના અંતર્ગત તળાવ બનવવાના કામને ઉચ્ચ કક્ષાએથી મજૂરી આપવામાં આવી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ 2005 અંતર્ગત ભાગ-1 મા રૂપિયા 4,62,548/- ના ખર્ચે ગ્રામસભામાં નક્કી કરેલ જગ્યાએ તળાવ ખોદવાનું કામ કરવામાં આવ્યું જેમાં 2438 માનવદિન ની રોજગારી ગામના લોકોની આપવામાં આવી , અને ભાગ -2 માં રૂપિયા 4,62,997/- નો ખર્ચ કરી તળાવને વધુ ઊંડું કરવામાં આવ્યું અને તેમાં પણ 2389 માનવદિન ની ગામનાજ લોકોને રોજગારી પુરી પાડવામાં આવી,આમ 9.25 લાખના ખર્ચે ગાંઠિયા ગામમાં એક સુંદર ઊંડું તળાવ તૈયાર થઈ ગયું જેનું નામ મણિતળાવ રાખવામાં આવ્યું છે , વર્ષ 2019 માં તળાવ બન્યા બાદ ચોમાસામાં ડુંગરોમાંથી વહીને આવતા પાણીનો તળાવમાં મોટા પ્રમાણમાં સંગ્રહ થયો, અને ગામ લોકોના જાણે ભાગ્ય ખુલી ગયા …ગામના પ્રત્યેક બોર અને કુવાઓમાં પાણીના તળ ઊંચા આવ્યા…તળાવ ની ભૌગોલિક સ્થિતિને લઈ તળાવનુ પાણી ઝર સ્વરૂપે વહીને કોતરોમાં જવા લાગ્યું જેને લઈ કોઈ નહેર બનાવવાની પણ જરૂર ન પડી , હાલ ઉનાળો ચરમ સીમાએ છે, મેં મહિનો ચાલી રહ્યો છે છતાંય ગાંઠિયા ગામનું તળાવ પાણી થી ભરેલું છે, ગામના ખેડૂતોને ચોમાસુ ખેતી કર્યા બાદ શિયાળુ અને ઉનાળુ પણ લેતા થયા છે, ગામના પશુઓ પાણી પીવા આ તળાવ ઉપર આવે છે કાળઝાળ ગરમીથી બચવા પશુઓ મોજથી તળાવના પાણીમાં પડ્યા રહે છે,પક્ષીઓને પણ પાણી મળી રહે છે, ભર ઉનાળે ગાંઠિયા ગામના ખેતરો લીલાછમ દેખાઈ રહયા છે ,ગામના ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થયા છે,મનરેગા યોજના હેઠળ ગાંઠિયા ગામમાં તળાવ બનતા સરકારની મનરેગા યોજના ગામલોકો માટે જાણે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


