Gujarat

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને અભયમની ટીમે બચાવી

અમદાવાદ
અમદાવાદ શહેરમાં એક પરીવારની મોટી દીકરીએ ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ માતા પિતાએ નાની દીકરી પર આકરા બંધનો લગાવી દીધાં હતાં. તેને ઘરની બહાર જવા દેવામાં આવતી નહોતી. તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો હતો. તેને કોઈપણ સાથે મિત્રતા રાખવા દેતા નહોતાં. અવાર નવાર તેને ત્રાસ આપવામાં આવતો હતો. જેથી પરીવારના આવા વર્તનથી તંગ આવેલી સગીરા રીવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી હતી. આસપાસના લોકોને જાણ થતાં જ તેને બચાવીને અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમની મદદ માંગી હતી. રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવકે ૧૮૧ પર ફોન કરીને એક સગીરા રિવરફ્રન્ટથી મોતની છલાંગ મારવા ગઈ હતી. આસપાસના લોકોએ તેને પકડી તો તે આપઘાત કરવા દો તેમ જણાવી રહી છે. કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સગીરાની પૂછપરછ શરૂ કરી હતી. સગીરાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, તેની ઉંમર ૧૬ વર્ષની છે. તે તેના માતા પિતા અને ભાઈ સાથે અમદાવાદમાં જ રહે છે. થોડા વર્ષો પહેલાં તેની મોટી બહેન તેના પ્રેમી સાથે ઘરીથી ભાગીને લવમેરેજ કર્યાં હતાં. જેથી પરીવારજનોએ મારી પર દબાણ વધારી દીધું હતું. ઘરની બહાર પણ ભાઈને સાથે લઈ જવા કહેતા હતાં. સગીરા નોકરી કરતી હતી. જેમાં મોબાઈલની જરૂર પડતાં પરિવાર પાસેથી મોબાઈલ માંગ્યો તો આપવાની ના પાડી હતી અને નોકરી પણ છોડાવી દીધી હતી. પરિવારનો ત્રાસ વધવાને કારણે તે તંગ આવી ગઈ હતી. જેથી તે આપઘાત કરવા રિવરફ્રન્ટ આવી હતી. અભયમની ટીમે સગીરાની વાત સાંભળીને તેને આપઘાત કરવાનું પગલું નહીં ભરવા જણાવ્યું હતું. અભયમની ટીમે તેના માતા પિતા અને ભાઈને બોલાવીને તેમને સગીરા પર વિશ્વાસ રાખવા, કોઈ દબાણ નહીં કરવા સહિતની માહિતી આપીને કાઉન્સિલિંગ કર્યું હતું. પરિવારને ભૂલ સમજાતા તેમણે સગીરાની માફી માંગી હતી.અમદાવાદમાં પ્રેમ સંબંધોને લઈને અનેક ઘટનાઓ સામે આવે છે. ઘણીવાર એવા પણ કિસ્સા હોય છે કે તેમાં માતા પિતાનું આકરૂ વલણ તેમના બીજા સંતાનોને પણ તકલીફોમાં મુકે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરમાં રહેતા એક પરિવારની મોટી દીકરીએ ઘરેથી ભાગીને લગ્ન કરતાં માતા પિતાએ નાની દીકરી પર આકરા પ્રતિબંધો મુક્યાં હતાં. જેના કારણે તંગ આવેલી નાની દીકરીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *