સાગર નિર્મળ
ઘઉ અને ચોખાનો જથ્થો આંગણવાડીમાં ખલાસ તો પાણીની મોટર એક માસથી બંધ
સર્ટિફાઇડ આટા માટે વ્યવસ્થા કરવામાં જથ્થામાં વિક્ષેપ પડ્યો છે… અધિકારી
જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં ચાલતી આંગણવાડીની રૂબરૂ મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ મુક્ત ભારત માટે અભિયાનો ચલાવાઈ રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક જવાબદાર તંત્રની બેદરકારીને કારણે ઘઉં અને ચોખાના જથ્થા ઉપલબ્ધ ન હોવાના વાસ્તવીક દ્રશ્ય સામે આવી રહ્યા છે.
જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં રામદેવપરા -૧ આંગણવાડીકેન્દ્ર ચાલુ છે. જો કે શ્રમજીવી વિસ્તારમાં આવેલ આ આંગણવાડી કેન્દ્રોમાં પ્રતિનિધિ દ્વારા વાસ્તવિકતાનો અહેવાલ મેળવવા આકસ્મિક મુલાકાત લેવામાં આવતા મુલાકાત દરમિયાન જાણવા મળેલ કે હાલ ૦૮ જ બાળકો આંગણવાડી કેન્દ્ર ખાતે હાજર હતા અને તેમાંથી માત્ર બે જ બાળકો ગણવેશમાં જોવા મળ્યા હતા છેલ્લા એક મહિનાથી પાણીની મોટર પણ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું અને ખાસ બાળકોને આપવામાં આવતા નાસ્તાઓ માટે ઘઉં અને ચોખાનો જથ્થો પણ ફાળવવામાં આવ્યો ન હોવાથી લોકફાળો કરી આંગણવાડીકેન્દ્ર ચાલતું હોવાની ચોકવાનારી વિગતો પ્રકાશમાં આવી હતી.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ ને લઈને ભારોભાર ચિંતા કરવામાં આવી રહી છે ભારતભરમાં આ બાબતે અભિયાન ચલાવાઈ રહ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે ઘઉં અને ચોખાના જથ્થા માટે વિક્ષેપ પડે છે.
જો કે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે હાલ ઘઉંને બદલે ફોર્ટિફાઇડ આટા માટે વ્યવસ્થા કરવાની હોવાથી વિક્ષેપ પડેલ છે. ખાસ કરીને જૂનાગઢના શ્રમજીવી પરિવારનાં બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં પૂરતો જથ્થો અને દરેક બાળકને યુનિફોર્મ તેમજ સરકાર દ્વારા મળતા તમામ લાભો મળે તેવા પ્રયત્નો થવા જોઇએ તેમજ જૂનાગઢના આંગણવાડી કેન્દ્રોમાં પૂરતો જથ્થો સરકાર દ્વારા ફાળવવામાં આવે તે અત્યંત જરૂરી બાબત છે.


