અમદાવાદ
શહેરમાં ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી ભક્તો વગર જ ભગવાનની રથયાત્રા કરવામાં આવતી હતી.પરંતુ આ વખતે રથયાત્રા શહેરના પરંપરાગત માર્ગ ઉપરથી પસાર થશે આ વખતે ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામને મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા હતાં અને મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રોત્સવ વિધિ દરમિયાનં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યા હતાં એવી લોકવાયકા છે કે, નગરના નાથ મામાના ઘર સરસપુરથી પરત જમાલપુર મંદિર આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવ્યા હતા.
મંદિરમાં ધ્વજા રોહણની વિધિ કરવામાં આવી હતી.હર્ષ સંધવી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. આજે મંદિરમાં ધોળી દાળ (ખીર) અને કાળી રોટી (માલપુડા)નો ભંડારો યોજાયો હતો જેમાં લાખો ભાવિકોએ આ ભંડારાનો લાભ લીઘો હતો સાધુ-સંતો માટે ૧૧.૩૦ કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું હતું જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતાં
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ ૧૫ દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે. ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ત્રણેવ ભાણેજની સારી રીતે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.હવે અષાઢી બીજના દિવસે વહેલી સવારે ૪ વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે.
હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જાેવા મળી રહ્યો છે. આ સાથે ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રાને લઈ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દીધું છે. મંગળવારે શહેર પોલીસ મોટી સંખ્યામાં વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી.
