ગાંધીનગર
ગાંધીનગરના સરઢવ ગામે રહેતી આરતી(નામ બદલ્યું છે)ના લગ્ન લગ્ન જલુંદ ગામનાં આકાશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. ગઈકાલે સવારે આરતીએ ફોન કરીને માતાને કહ્યું હતું કે, પતિ આકાશ છેલ્લા ત્રણ દિવસથી મારઝૂડ કરી ગાળાગાળી કરીને શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યો છે. દીકરીની આપવીતી સાંભળીને માતા રિક્ષામાં બેસી સવારના દીકરીની સાસરી જલુંદ પહોંચી ગયા હતા. જ્યાં જમાઈ આકાશ સૂતો હતો. એટલે દીકરી સાથે વાતચીત કર્યા પછી માતા આરતીને લઈને રિક્ષામાં સરઢવ જવા રવાના થઇ હતી. આ દરમિયાન જમાઈ આકાશને ખબર પડી જતાં બાઈક લઈને ઘરેથી નિકળ્યો હતો. બાદમાં જલુંદ સરઢવ રોડનાં ગરનાળા પાસે આકાશે રિક્ષાને આંતરી લીધી હતી અને દાતરડા વડે સાસુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી સાસુ દાતરડુ પકડવા જતાં તેમના હાથનાં કાંડા અને કોણીએ દાતરડું વાગ્યું હતું. માતા ઉપર જીવલેણ હુમલોનાં દ્રશ્યો જાેઈને આરતી હચમચી ગઈ હતી. તો આકાશ પણ સાસુને બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ વખતે રિક્ષા ચાલક વચ્ચે પડ્યો હતો અને કહેવા લાગેલો કે, આરતીને લઈ જવી હોય તો લઈ જાવ પણ માતાને મારશો નહીં. બીજી તરફ પતિનું રૌદ્ર સ્વરૂપ જાેઈને સ્થિતિ પારખી ગયેલી આરતી પણ તેની મરજીથી ચૂપચાપ બાઈક ઉપર બેસીને પતિ સાથે પરત સાસરી જતી રહી હતી. બાદમાં આરતીની માતાને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમના હાથનાં કાંડાએ પાંચેક ટાંકા લેવામાં આવ્યા હતા. આ મામલે સાસુએ ફરિયાદ આપતાં પેથાપુર પોલીસે જમાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના જલુંદ ગામે પતિ મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કરતાં સાસુ સવારે દીકરી પાસે પહોંચી ગઈ હતી અને જમાઈને ઊંઘતા રાખીને દીકરીને રિક્ષામાં લઈને સાસુ રવાના થઈ ગયા હતા. જેનાં કારણે અધવચ્ચે રિક્ષા આંતરીને જમાઈએ સાસુ પર દાતરડાંથી જીવલેણ હૂમલો કરતાં પતિનું રૌદ્ર સ્વરૂપ જાેઈને પત્ની ચૂપચાપ બાઈક પર બેસી પરત સાસરી જતી રહી હતી. આ અંગે સાસુએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.


