એસટી બસ ફરી શરૂ કરવા સરધારપુર ગ્રામ પંચાયતે માંગ કરી
જેતપુર એસટી ડેપો દ્વારા જેતપુર- લુણાગરી- પ્રેમગઢ ગામના રૂટની ત્રણ બસમાંથી એક બંધ કરી દીધી અને બેના સમયમાં ફેરફાર કરતા સાત જેટલા ગામોના વિદ્યાર્થીઓને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી જુના રૂટ ફરી શરૂ કરવા સરધારપુર પંચાયતે માંગ કરી હતી.
જેતપુરના નવાગઢ, સરધારપુર, પંચપીપળા, પ્રેમગઢ, કેરાળી, લુણાગરી અને લુણાગરા આ છ જેટલા ગામોમાં જેતપુર એસટી ડેપોથી આવતી બસના ત્રણ રૂટમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી હાલાકી ભોગવવી પડી રહી છે.
જેમાં જેતપુર-લુણાગરી-પ્રેમગઢ રૂટનો સવારે સાત વાગ્યાનો રૂટ હતો તે તો રૂટ જ બંધ કરી દીધો. જ્યારે સાડા નવ કલાકનો હતો તેને નવ વાગ્યાનો કર્યો અને ત્યારબાદ ૧ વાગ્યા સુધી બીજી કોઈ બસ ન હોવાથી વિદ્યાર્થીઓને પોતાની સલામતીના જોખમે ખાનગી વાહનોમાં ઘેટાં બકરાની જેમ ડબલ ભાડાં ચૂકવીને મુસાફરી કરવી પડે છે. આ અંગે સરધારપુર ગામના સરપંચ સી.જે પાટોડીયા દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરી કે જુના સમય પત્રક મુજબ બસ આવતી જતી હતી તે મુજબ એટલે કે સવારે નવ અને સાડા અગ્યાર વાગ્યાનો સમય ફરી કરી આપવા અને સવારનો વર્ષો જૂનો ૭ વાગ્યાનો રૂટ સદંતર બંધ કરી દીધો છે તે ફરીથી શરૂ કરવાની માંગ કરતા તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ જે પ્રમાણે રૂટ ચાલે છે તે પ્રમાણે જ ચાલશે તેવું ઉદ્ધતાઈ પૂર્વકનું ડેપો મેનેજર દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું.
જેથી છ ગામોના વિદ્યાર્થીઓના હિત ધરાવતા સમયના રૂટ એસટી ડેપો દ્વારા શરૂ કરવામાં નહિ આવે તો જેતપુર ડેપો સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને તેમાં જે કંઇ થશે તેના જવાબદાર ડેપો મેનેજર જ રહેશે તેવી આવેદનપત્રમાં સરપંચે ચીમકી ઉચ્ચારી છે.


